લખાણ પર જાઓ

પૃષ્ઠ:Akashdeep by Dhumketu.pdf/૧૮૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

૧૭૪
જન્મપત્રિકા
 

રાજા જીવી શકે તો એનામાં પાણી છે - એ વિચાર વમળમાં ને વમળમાં તે રાજાનું જીવન નવેસરથી તપાસવા લાગ્યો. આજે જ રાજાની પટરાણીએ એક વાત એને કહી હતી: 'અમે તો ઘણું કહ્યું સાહેબ! કે આ તમારા દારૂડિયા પાસવાનો તમને ઊંધે રસ્તે દોરી રહ્યા છે, પણ એમણે કોઈ નું ન માન્યું. કોઈ કોઈ વાર માથું ઠેકાણે હોય તો મારા ખોળામાં માથું ઢાળીને કહેશે, 'રાણી! રાજ રહે ન રહે પણ નામ તો રહેશે. દરવાજા પાસે લડતાં લડતાં મરવાનું સદ્ભાગ્ય મને ક્યાંથી મળે?' ' રાણીએ કહેલા આ શબ્દો ઉપર ટેલર વિચાર ફરી રહ્યો. રાણીએ જ્યારે જ્યારે એને સલાહ આપી કે 'ટેલર સાહેબ પાસે જાઓ ત્યારે રાજાએ આપેલો જવાબ વળી વધારે સૂચક હતો. 'હું નગર છોડું તો તો આરબો ને રોહિલાઓ, એમના લેણાના ખાતરમાં મારી રૈયતને લૂંટે' - ને એમ ને એમ એ પૈસા વિષેની અવ્યવસ્થામાં રાજા દારૂના પંથે ચડી ગયો: ઊંધી ગણતરી વિનાની શૂરવીરોની વાતોમાં પડી ગયો. રૈયતને પોતે લૂંટતો ગયો - તે બીજાં કોઈ ન લૂટે એનું ધ્યાન રાખતો ગયો.

ટેલરની દૃષ્ટિ અચાનક રાજાએ આપેલા અને અત્યારે એના ટેબલ ઉપર પડેલા તાવીજ ઉપર પડી. એને ઉપાડીને તે બારીકાઈથી તપાસવા લાગ્યો. અને આવી વસ્તુઓના શોખ હતા. એ તાવીજને તપાસી રહ્યો હતો, એટલામાં સલામ કરીને એક જમાદાર એની સામે આવીને ઊભો રહ્યો.

'ક્યું?' ટેલરે નજર ઊંચી કર્યા વિના જ કહ્યું.

'સાહેબ! કોઈ વૃદ્ધ શાસ્ત્રી આપને મળવા માગે છે.'