લખાણ પર જાઓ

પૃષ્ઠ:Akashdeep by Dhumketu.pdf/૧૮૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

૧૭૬
જન્મપત્રિકા
 

બ્રાહ્મણે એ કૂંચી વડે એક ગુપ્તદ્વાર ખોલી તેમાંથી એક જન્મપત્રિકા જેવો કાગળ લઈ કૂંચી પાછી રાણીને આપી દીધી હતી. ટેલરને એ પ્રસંગ યાદ આવી ગયો.

⁠‘પ્રસંગ મને બરાબર યાદ છે, પણ તમે શું કહ્યું હતું એ શબ્દો મને બરાબર યાદ નથી.’ ટેલરે કહ્યું. જવાબમાં બ્રાહ્મણે એક લાંબો ટીપણા ઘાટનો કાગળ કાઢ્યો. ‘તમે ગોરા લોકો એમ માનતા લાગો છો કે, આ ભિખારી બ્રાહ્મણો પાસે કાંઈ વિદ્યા નથી.’ તે બોલતો ગયો ને ટીપણું ઉઘાડતો ગયો. ‘તમારી એ અભિમાનભરેલી વૃત્તિ કેટલેક અંશે તમારા ભૌતિક વિજયને આભારી છે, પરંતુ અમારી પાસે પણ એવી વસ્તુ છે કે, જે સમજવા માટે, તમારે ભારતવર્ષમાં ફરી ફરીને જન્મ લેવો પડે. ભારતવર્ષ આખો જીતી લેવાથી પણ એ વસ્તુ તમને કદાપિ ન મળે. જુઓ, આ તરુણ રાજાની જન્મપત્રિકા. મેં તે દિવસે રાણીને અને તમને કહ્યું હતું તે આજે ફરીને કહું છું. તમારા ગવર્નર જનરલ શું, પણ સૂર્ય, ચંદ્ર, યમ ને ઇંદ્ર સ્વયં રક્ષણ કરે, તોપણ આ જુવાન રાજા ચોવીસમું વર્ષ પૂરું ન કરે. આ એનું ચોવીસમું વર્ષ છે: ને એના ઉપર મૃત્યુદંડ પામે એવું તહોમત પણ છે.’

⁠ટેલર સાંભળી રહ્યો.

⁠એ જ વખતે નીચે દરવાજા પાસે ધબાક દઈને કોઈ ઘોડેસવાર આવીને ઘોડા ઉપરથી ઉતર્યો હોય એમ લાગ્યું.

⁠ટેલર અને બ્રાહ્મણ બન્ને ચોંકી ઊઠ્યા.

⁠થોડીવારમાં તો નીચેથી જમાદાર હાથમાં એક પરબીડિયું લઈને દોડતો ઉપર આવ્યો: ‘નામદાર!’