ટેલરે હાથ લાંબો કરીને ત્વરાથી કાગળ લીધો. એને લાગ્યું કે આ બ્રાહ્મણનું આત્માભિમાન ઉતારનારી વસ્તુ વખતે આજે એમાંથી મળે. કદાચ વાઈસરૉયે રાજાને માફી બક્ષી હોય! અને તે ઉતાવળે વાંચવા માંડ્યો. બ્રાહ્મણ તેની સામે શાંત ઊભો રહ્યો.
કાગળ પૂરો કરીને ટેલરે ઊંચે જોયું: ’હં—ત્યારે શાસ્ત્રીજી! તમે એમ માનો છો કે રાજા લાંબુ, નહિ જીવે કાં?‘
’સૂર્ય, ચંદ્ર ને સાક્ષાત્ યમ રક્ષા કરે તોપણ ન જીવે. મારો જોશ એમ કહે છે.‘
’તમારો જોશ?‘
’ના જોશ નહિ; મારું ગણિત. જેવી રીતે એક ને એક બે થાય, તેવી જ રીતે મારા ગણિત પ્રમાણે રાજા ઉપર મૃત્યુયોગ છે — ને તેમાંથી એ છટકી શકશે નહિ—ગમે તે રક્ષા કરે તોપણ.’
‘આટલી બધી તમારી શ્રદ્ધા?’
‘સાહેબ! તમે જેને શ્રદ્ધા માનો છો : અમે એને આકાશીરસ્તાનું દર્શન માનીએ છીએ.’
‘ત્યારે તમારું એ દર્શન ખોટું પડે તો?’
‘ખોટું પડે તો? ખોટું પડે જ નહિ ને! પંજાબકેસરી રાજા રણજીતસિંહ પાસે એક યોગી હતા, એ ખબર છે?’
‘હા; હિરદાસજી.’
‘એણે તમારા સાહેબ લોકને કહ્યું હતું કે, અમારી આ વિદ્યા તમારી પાસે દેખાડવા માટે નથી; હું પણ — મારે પણ એ જ કહેવાનું હોય. એ વિદ્યા તમારે મેળવવી હોય