લખાણ પર જાઓ

પૃષ્ઠ:Akashdeep by Dhumketu.pdf/૧૮૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

૧૭૮
જન્મપત્રિકા
 

તો તમે આવો, અમે દેખાડીએ નહિ. અને છતાં હું દેખાડવા ઓવ્યો છું, કારણ કે તમારા હૃદયમાં ભારત પ્રત્યે શ્રદ્ધા છે. જો મારું આ ભાખેલું ભવિષ્ય ખોટું પડે તો મારાં પોથાં બાળી મૂકું ને તમારા દેખતાં જ અગ્નિપ્રવેશ કરું. ભારતવર્ષમાં હારેલો ક્ષત્રિય જલસમાધિ લે છે, હારેલો બ્રાહ્મણ અગ્નિસમાધિ; એ એની પરંપરા છે. હું પણ એ પાળીશ. બોલો.‘

⁠’ત્યારે શાસ્ત્રીજી! આ વાંચો; અથવા ઊભા રહો, હું કહું. રાજાને સરકાર તરફથી માફી મળી ચૂકી છે ને તેને જીવતદાન મળી ગયું છે.‘ ટેલરે પોતાની પાસેનો કાગળ બતાવ્યો. ’આ ઘોડેસવાર એ જ સમાચાર લાવ્યો છે; જીવતદાન તો મળી ગયું છે.‘

⁠’મળી ગયું છે?‘

⁠’હા, રાજાનો જીવ બચી ગયો છે.‘

⁠’પણ હજી જે દિવસ મેં કહ્યો છે — ચોવીસમા વર્ષનો છેલ્લો દિવસ — તે પસાર થયો નથી.‘

⁠’ત્રણ દિવસ પછી એ પણ પસાર થઈ જશે.‘

⁠’વિશ્વક્રમમાં સઘળી વાતમાં ભ્રમ થવાનો સંભવ છે, ગણિતમાં કોઈ દિવસ નહિ. ગણિત ખોટું પડતું નથી ને પડે નહિ. રાજાને ભલે જીવતદાન મળી ગયું હોય – પણ હરઘડીએ એ મૃત્યુ તરફ જઈ રહ્યો છે.‘

⁠’રાજાને તમારી આ વાતની ખબર છે?‘

⁠’ના.‘

⁠’બીજા કોઈને ખબર છે?‘

⁠’ના; રાજમાતાને ખબર હતી. તે મરણ પામ્યાં છે.‘