લખાણ પર જાઓ

પૃષ્ઠ:Akashdeep by Dhumketu.pdf/૧૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.



અજાણ્યો મનુષ્ય

સુંદર છબી, પૂતળાંઓ અને કીર્તિસ્થંભો માટે, એક શહેરમાં ખાસ મકાન હતું. તે મકાન શહેરથી લગભગ ચાર પાંચ માઈલ દૂર હતું. અત્યંત સુંદર ચોગાનમાં ત્યાં ઠંડા પાણીના ફુવારા ઊડી રહ્યા હતા. એવા એકાંત, શાંત સ્થળમાં જ્યારે જ્યારે મુસાફરો આવતા, ત્યારે ત્યાંનું પ્રકૃતિસૌન્દર્ય જોઈને મુગ્ધ બની જતા. ત્યાં જાણે, દરેકે દરેક ચીજ વાતાવરણની જમાવટમાં પોતાનો હિસ્સો અર્પી રહી હતી. પણ ઠંડી ચાંદનીમાં જ્યારે નાની મોટી સૌ વસ્તુ, રૂપરંગ અને સૌંદર્યની કોઈ ગૂઢ ચાદરમાં ઢંકાઈ જતી, ત્યારે જ અચાનક એમ લાગતું કે દિવસે આટલું રમણીય લાગતું એ સ્થળ જાણે કોઈ અતિ તીવ્ર વેદનાની ભયંકર શાંતિથી ભરેલું છે. એવી તીવ્ર વેદના કે જેવી માતા બાળકના મૃત્યુ પછી કે જુવાન હિંદુ સ્ત્રી વિધવા થયા પછી અનુભવી શકે. જાણે મોંમાં એક પણ શબ્દ દુઃખનો નથી, જાણે આંખમાંથી એક પણ આંસું શોકના ભારનું નીકળતું નથી; જાણે ચહેરા ઉપર એકે નિશાની — એકે રેખા