મૂર્તિ—આમ્રપાલી! મારું શું? મને લટકાવી રાખીને ચૌલાને પ્રગટાવી એ ન્યાય ક્યાંનો?’
કોઈને જવાબ આપવાનો મારો પ્રયાસ જ નિષ્ફળ હતો. કોઈ કંઈ સાંભળે તેમ હતું જ નહિ! એક પછી એક અવાજ મારે જ અનુભવવાના હતા.
‘અઢારસો સત્તાવનના વસંતને ભૂલી જઈને તમે આવા નારીમોહમાં પડશો એ મને ખબર હોત તો હું તમારી પાસે આવત જ નહિ ને!’
‘અરે! પણ, પ્રિયજનો! હું તમને સૌને યથાશક્તિ...’
મારી બોલી તો અધૂરી જ પડી રહી.
‘એ બધું ઠીક, પણ રૂદ્રમહાલયના ભવ્યસ્વપ્નનો સર્જક હું — જે સર્વશ્રેષ્ઠ ગુજરાતી — જયસિંહદેવ સિદ્ધરાજ! હું પણ રાહ જોતો ઊભો રહું એ ન્યાય ક્યાંનો? મારા વિના તો ગુજરાતનું ભવ્ય સ્વપ્ન—’
‘અરે! મહારાજ! મહારાજ!...’ મેં બે હાથ જોડ્યા, પણ ત્યાં તો બીજા અવાજ ઊઠ્યા.
‘જુઓ, આ તમારી ઇતિહાસકથાઓમાં અમને ભૂલતા નહિ, અમને ગુજરાતણોને! મંજુલાને, મુક્તાને, મોહિનીને, મંજુકેશીને, સુકેશીને, સુહાસિનીને અને બીજી અનેકને. અમને ભૂલશો તો અમે તમને ભૂલી જઈશું. નારી વિનાની નવલકથાનો જન્મ જ ક્યાં છે? એક તો સરજાવો અમારા વિના! નવલિકા કદાચ અમારા વિનાની હોઈ શકે પણ નવલકથાપ્રયોગ કરી જુઓને! ખબર પડે! જાણે લૂણ વિનાની રસોઈ જ તો!