લખાણ પર જાઓ

પૃષ્ઠ:Akashdeep by Dhumketu.pdf/૧૯૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

૧૮૭
વાર્તા વિનાની વાર્તા
 

⁠‘અરે! દેવીઓ પાહિમામ્‌! પાહિમામ્‌! તમારા વિનાનો સંસાર સરજવાની, ખુદ બ્રહ્મદેવ જેવાની હિંમત ચાલી નથી તો હું કોણ? મંજુલાઓ, મુક્તાઓ, મોહિનીઓ, હું તમને કોઇને ભૂલું તેમ નથી. તમે છો તો ગુજરાત છે, અને નવલકથાઓ પણ છે. પણ હું શું કરું? મને જરાક શ્વાસ લેવાનો વખત...’

⁠‘પણ...’ કાન પાસે રણકો સંભળાતાં હું બોલતો જ બંધ થઈ ગયો:

⁠‘એ મંજુલા—ફંજુલામાં મને ભૂલતા નહિ હો! હું રૂખડી. હું નીચલા થરની. તમને પહેલી કીર્તિ અમારા જેવાં પાસેથી મળી છે એ ખબર છે ના? રૂખડી ભૂતડી ને ચોથડીમાંથી. અને તમે ભૂલો તોપણ અમે હવે તમને રેઢા મેલીએ તેમ નથી. તમારે તો તરત દોટ દેવી છે વૈશાલીમાં! પણ પેલાં આ ગેમલપર ને સરવરિયું ને ખડિયું ને ચીભડિયાં, થોરડી ને ભાંડેર એવું એવું સંભારો!’

⁠પણ હવે તો મને જવાબ દેવાનો જ સમય રહ્યો નહિ. એક પછી એક, ઇતિહાસમાંથી, કલ્પનામાંથી, પરિચયમાંથી, પ્રસંગોમાંથી, નોંધપોથીઓમાંથી, વર્તમાનપત્રની કાપલીઓમાંથી, મુસાફરીના મિત્રોમાંથી, એક પછી એક વ્યક્તિ ઊભી જ થવા માંડી:

⁠‘અને હું...’

⁠‘અને હું...’

⁠‘મને—પહેલાં મને!’

⁠‘પહેલો તો હું જ...’

⁠એવા એવા સ્વરોથી આખું આકાશ છવાઇ ગયું.