કોઈ એક છોકરૂં ફરકે જ નહિ એવું કરી મૂકવું. એટલે નિશાળ બંધ! કહેવું કે નામ ખોટાં, હાજરી ખોટી ને માસ્તર આંહીના છે ને ખસવું નથી આંહીથી, એટલે આ ધંધો આદર્યો છે. સૌને એ વાત ગમી ગઈ.
એક દિવસ હું તો સાંજે વાઘરોળા ગામે ભવાઈ હતી તે જોવા જાતો’તો, ત્યાં રસ્તામાં જ વાઘરોળાના બે પટલીયા સામા થઈ ગયા.
‘જે જે ગુરુદેવ!’ કરતા કને ઊભા રહ્યા: ‘આ તમારી કોર આવતા’તા, ત્યાં ઠીક થયું, તમે જ મળી ગયા. અમારો મનજી, ને દિવાળી ને નથુ ને ભગલો હમણાં બે ચાર દિ નહીં આવે !’
‘કેમ? એક વારે ચારેય જણા? કંઈ છે?’
‘તમને ક્યાં ખબર નથી માબાપ! તે અમને પૂછો છો?’
‘તો ય. પણ?’
‘આ સાંભળ્યું છે કે છોકરાંવને ખોજાં ઉપાડી જાય છે?’
‘કોણે કહ્યું?’
‘આ આણી કોર બે દી થ્યાં ઊડ્યું છે!’
‘ના ના, સાવ ખોટી વાત. કોણે આ ગપ હાંક્યું છે?’
‘આ ભગવાનજી કામદાર ને સૌએ આણીકાર બધે કે’વરાવી દીધું છે. હમણાં તમારે ત્યાં કોરૂંધાક બે પાંચ દી સમજો ને!’
મને મનમાં એક ત્વરિત વિચાર આવી ગયો. મારું