બેટું! સાહેબ હમણાં આટલામાં છે, ને આ વાત, એની વચ્ચે કાંઈ મેળ તો નહિ હોય! અને વાતે ય એવી વે’તી મૂકી છે કે, કોઈ કોઈને પૂછે જ નહિ ને! અને અંદર અંદર ધ્રૂજ્યા કરે!
મેં તો તરત જ એનું ઊંડાણ માપી લીધું. પટેલીયા બન્નેને હારે ઉપાડ્યા: ‘અરે! તમે કાંઈ સમજો નહિ ને ભલા માણસ, આ તો કામદારની રમત છે, એને નિશાળ ઉખેડી નાખવી છે. હાલો, મારી સાથે, આપણે ગામડે ગામડે કહેવરાવી દઈએ કે કાલે સાહેબ આવવાના છે, ને પતાસાં વહેંચવાનાં છે!’
‘પણ પતાસાં?’
‘પતાસાં ભેગાં થઈ જાશે — તમે હાલોને, મારી ભેગા!’
બીજે દિવસે દરબારની ડેલી ઉપર મેં નજર કરી. આઠદસ દરબાર બેઠા’તા, હું ત્યાંથી નીકળ્યો.
‘કાં? આવોને માહતર! આજ તો બહુ વે’લાં ઘોડાં જોડ્યાં છે!’
‘શું કરે ભૈ! એમને આ પારકી પજોસણ સાચવવાની ને!’ કામદાર ભગવાનજીએ મીઠી વાણીમાં કહ્યું. પણ એની આંખમાં બેઠેલી ઠંડી મશ્કરી દેખાતી હતી. મને ધરપત થઈ કે ના, મેં જે કર્યું તે છે તો બરોબર!
નવ વાગ્યા ને સાહેબનો સગરામ સીમમાં દેખાણો. એક છોકરા જાસૂસે ધોડીને ખબર આપ્યા. સાહેબે કાંઈ સૂચના-ચિઠ્ઠી તો મોકલાવી જ ન હતી. છોકરા બહાર ગામના તો હજી બહુ આવ્યા નો’તા, ને ગામના પણ થોડાક તો આડાઅવળા થઈ ગયા’તા. પણ મેં તો તરત આખા