લખાણ પર જાઓ

પૃષ્ઠ:Akashdeep by Dhumketu.pdf/૨૦૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

૧૯૮
શિવુભા
 

⁠‘હા! બાપુ ! હા. વેણ કાઢોં તો વાત ડોળાય ને તો કાગળિયું થાય. પણ કસુંબાનું કાંઈ કાગળિયું થાય છે? જૂઓને, કાં તો આ બાજુ આવતો લાગે છે. એને મારા બેટાને આપણામાં ભળીને પછી પગ પહોળા કરવા છે. આ નિશાળ ઘાલી. એક વળી નાનકડું બચુ માસ્તરનું લફરું પણ આવ્યું! પછી આવશે મકાનનું લફરું. માણસને ટાળવાનું કરો. નકર મારો બેટો પેધી જાશે? પણ આ વખતે હવે એવો ટાળી દ્યો કે બેઠો જ નો થાય!’ કામદાર બોલ્યા.

⁠‘પણ કોણ પે’લ કરશે?’

⁠‘જીવુભા જ કરે, તીખાં વેણ ઇ બોલ્યા’તા ભા! હવે માહતરને એક જરા કહુંબો કરાવો તે બેયને મનમેળ થાય! પછી તો વાટકી વાટકીનું કામ કરશે. આ તો નાગરાજનું વરદાન છે ભા! એક વખત જીભે ચડ્યું હોય તો’ય મણીધરનો નશો!’

⁠કોઈક દરબાર જુક્તિ કરી રહ્યો હતો.

⁠એટલામાં પાછો શિવુભા દેખાણો. એ આ બાજુ દરબારના કસુંબાડાયરા તરફ આવી રહ્યો હતો.

⁠થોડીવારમાં તો શિવુભાને આ કસુંબા દરબારમાં સૌ તાણ ઉપર તાણી કરી રહ્યા હતા. ‘થોડોક ભા! આપણે મનમેળ થઈ ગયો છે, એમ બતાવવા! બસ, આટલો જ ભા!’

⁠બે પળ તદ્દન શાંતિ રહી. પાછું દૃશ્ય બદલાયું. હવે શિવુભા ઘરના આંગણે બેઠો હતો. શરીર એનું નખાઈ ગયું હતું. વહુને કહી રહ્યો તો, ‘ક્યાંકથી થોડુંક પેદા કર. એક મગની ફાડ જેટલું! કોઈ રીતે રે’વાતું નથી! અરે ભગવાન !