લખાણ પર જાઓ

પૃષ્ઠ:Akashdeep by Dhumketu.pdf/૨૦૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

મનની મોજ
૨૦૧
 

[ ૧ ]

⁠નરસિહ કે નૃસિંહ—ખરી રીતે તો આસપાસના ગામડામાં ખૂબ જાણીતો થયેલો શબ્દ નરશીં—અને ઘણી વખત તો ‘નરશીં’માંથી અપભ્રંશ થઇને બની જતો ‘નરછીં’ બકાલ એકલો, પોતાના અડિયલ ટટ્ટુ સાથે, રસ્તો કાપી રહ્યો હતો, ટટ્ટુ સાથે, ટટ્ટુ ઉપર નહિ. કારણ કે ઉપર બેસવાનો હક્ક ગાજરમૂળાને માટે અનામત જેવો હતો. એને કે એના ટટ્ટુને આ રસ્તો કાંઇ નવો ન હતો. રવિવારે સૂરજ ઊગ્યા વિના રહે તો, નરસિહ આસપાસના ગામડાંની ‘વિઝીટ’ માર્યા વિના રહે.

⁠નરસિંહ આ સંઘળાં ગામડાઓમાં બકાલું વેચવા જતો. દર રવિવારે પોતાના ટટ્ટુ ઉપર બકાલાની પોટલીઓ લટકાવી, બકાલું થોડું હોય તો કોઈ વખત માથે બેસીને, નહિતર ટટ્ટુને દોરતો, આ રસ્તે એ નીકળતો ને ગામડાઓમાં ફરીફરી બકાલું વેચી, જાર, બાજરો, ચોળા, કપાસ, મગ, અડદ, કળશી એમ જુદી જુદી ધાન્યસામગ્રી લઇને બીજે દિવસે ઘેર પહોંચી જતો. રાત ગમે તે ગામડામાં ગાળી લેતો.

⁠આજે એ જ રીતે એ ચાલી રહ્યો હતો. જે રસ્તા ઉપર એણે જુવાનીમાં, દાણાના વેપારી, પછી રૂના વેપારી, છેવટે જીનના માલિક થવાનાં, સ્વપ્નાં સેવ્યાં હતાં, તે જ રસ્તા ઉપર, દિવસોના અનુભવ પછી ડાહ્યા બનેલા બન્ને—નરસી બકાલ અને એનું ટટ્ટુ—પોતપોતાની હંમેશની ચાલે આજે ચાલી રહ્યાં હતાં. એમને ઉતાવળ કરવાની જરૂર જણાતી ન હતી. તેમજ છેક ધીમે ચાલીને અંધારામાં ઠેબાં ખાવાની