પણ ઇચ્છા ન હતી. એટલે બન્ને એમના નિયમ પ્રમાણે જ ચાલી રહ્યાં હતાં. નરસિંહે, ઘોડાની લગામ પણ ડોક ઉપર નાખી દીધી હતી. હાંક્યા વિના ચાલે એટલી જ ચાલ ઉપર સંતોષ માનીને એ પોતે કાંઈક વિચારમાં ને વિચારમાં મગ્ન, એની પાછળ ચાલી રહ્યો હતો.
એટલામાં નગરપરાની સીમનાં ઝાડ દેખાયાં. નગરપરાથી ત્રણ માઇલ રાજપરા. અને રાજપરાથી ત્રણ માઇલ ભાંડેર, ભાંડેરમાં રાત ગાળી, બીજે દિવસે રોટલાટાણે સવારમાં પોતાને ગામ——સનાળીયા—પહોંચવાનો આજે એને અચાનક વિચાર આવી ગયો. ને કોણ જાણે કેમ એનાં પગલામાં પણ ઉતાવળ આવી.
ભાંડેરમાં રાત ગાળવી છે, એ વિચારે તેને પ્રેર્યો હોય કે ગમે તેમ, તેણે પોતાના ટટ્ટુને લગામ ઝાલીને જરાક ઉતાવળે દોર્યું. તેના આ વર્તનથી આશ્ચર્ય પામ્યું હોય તેમ ટટ્ટુ પહેલાં તો ઊભું રહ્યું. નરસિંહે પોતાને કોઈ દિવસ આ પ્રમાણે ઉતાવળે ચાલવાનું કહ્યું હોય, એવું એની સ્મૃતિમાં હતું નહિ. ખરી રીતે એ અને એનો માલિક ધીમા ચાલવા માટે જ નિર્માણ થયાં હતાં. આજે જ કોણ જાણે ક્યાંથી નરસિંહની રગમાં ઉતાવળ આવી બેઠી હોય તેમ એને લાગ્યું.
અને પોતે જ્યારે ઊભું રહ્યું અને નરસિંહે બાવળની સોટી લગાવી, ત્યારે તો એ પામી જ ગયું કે, કહો ન કહો, પણ ડોસાનું કાંઇક ફટક્યું લાગે છે !
ડોસો તો નરસિંહને કહેવો હોય તો ભલે, બાકી ખરી રીતે એને હવે જરાક અવસ્થા જણાતી હતી.