લખાણ પર જાઓ

પૃષ્ઠ:Akashdeep by Dhumketu.pdf/૨૧૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

૨૦૪
મનની મોજ
 

⁠એ કોળણ કંકુડી હવે ભાંડેરમાં હતી. નરસિંહને એ ખબર હતી. હમણાં વર્ષો થયાં વહી રહેલા ભારનો થાક ઉતારવા માટે જતો હોય તેમ, નરસિંહ ભાંડેર તરફ આજે અચાનક જ વળ્યો. કદાચ એ ભાંડેર જવાનો છે એની ખબર અને પોતાને પણ ન હતી !

[ ૩ ]

⁠વર્ષો થયાં વહી રહેલો ભાર તો એટલા માટે, કે આ બકાલું—અરધોશેર ડુંઘળી ને એક શેર બટેટાં, પૈસાનાં મરચાં ને અરધા પૈસાનાં ગાજર—એમાં એનો શકરવાર પાકે તેમ ન હતો. એને તો ઘણું મન હતું કે છક્કા પંચાની રમ્મત જમાવીને, એક વખત તો આસપાસનાં બાર બાર ગામને નોતરીને એકસોઆઠ પારાયણનો જે જે કાર બોલાવી દઉં ! પણ પછી કાંઈક વયને લીધે, કાંઇક ઝમકુડીના નિત્યકંકાસને લીધે, અને વધુ તો, પોતે જેને પોતાની માનીને, રાત દિ જોયા વિના સેવા કરવા ખડેપગે તૈયાર રહેતો, જેનું ઘર પોતાના જેવા જુગારીઓનું વિશ્રામસ્થાન હતું અને છતાં જેને સાચો પ્રેમ—સાચ્ચો પ્રેમ હોઈ શકે તો—પોતે માનતો હતો કે, પોતાને જ મળ્યો હતો—એ કોળણ કંકુડીએ એ વખતે બતાવેલી ઉપેક્ષા વૃત્તિને લીધે, નરસિંહે, જુગાર છોડી દીધો, તે છોડી જ દીધો ! અને બકાલાના પૈસા આપનારા કંટાળા ભરેલા કામ ઉપર મન સ્થિર કર્યું. પણ આવા નમાલા ધંધાની ઘરેડમાં ચિત્ત પરોવી, પોતાની સઘળી આશા અને આકાંક્ષા દબાવી દઈ, જે ધંધાનો ભાર ઉપાડ્યો–એ ધંધાનો ભાર, હવે એને આકરો લાગે છે–એમ તો હરકોઇ જોનાર, એની ધીમી, સ્થિર,