એને વીંટાઈ વળતાં. સૌથી ભયંકર બીના તો એ હતી કે કંકુડીને પણ એની મોહિની લાગી હોય એમ જણાતું હતું; સૌના કરતાં નરસિંહના દિલ ઉપર એ ડાઘે ગંભીર અસર પેદા કરી.
એક વખત નરિસંહ આવ્યો ત્યારે કંકુડી એકલી હતી. નરસિંહના મન ઉપર મોહનનો ભાર તો હતો. આજે એ વાતનો ખુલાસો લેવાનો એનો નિશ્ચય હતો. એણે જોયું કે દરવખતની જેમ કંકુડી પોતાનું શરીર વધારે આકર્ષક લાગે એવા સ્વાંગ સજીને બેઠી છે.
નરસિંહે આવતાં વેંતજ પ્રશ્ન મૂક્યો: ‘કંકુડી ! હવે તું કાંઈ ઠઠેરો વધારતી જાય છે ! કોઈને હથેળીમાં રમાડવો છે કે શું? હમણાં કાંઈ મોહનો બહુ નજરે ચડ્યો લાગે છે!’
તે દિવસે કોણજાણે કેમ કંકુડીએ મિજાજ ખોયો : ‘અલ્યા! હું તે કંઈ તારી ગોલી મોલી છું કે શું? મારે વળી મોહનો શું ને તું શું?’
‘કેમ મોહનો શું ને હું શું ? મોહને તને કંઠી કરાવી દીધી છે, એની અમને ખબર પડી છે હો !’
‘આ રહી—આ ડોકમાં—એમાં શી મોટી ખાનગી વાત હતી ? ઈ તો હરમતનાં કામ છે ભેરૂ ! છાતી હાલતી હોય એનાં, પૈસો કાંઈ રાંડીરાંડના હાથમાંથી છૂટતો નથી !’
‘ત્યારે તો કેશવો કહેતો’તો એ સાચું લાગે છે!’
‘શું કે’તો’તો કેશવો ?’
‘કે કંકુડી તો મોહનમાં જ લટુ થઈ ગઈ છે!’
‘લટુ થાય છે મારે ભૂખરાત–આંહી તો કઇક મોહન આવ્યા ને કઈક ગયા ! પણ લટુ થઈ ગઈ હોઉં