લખાણ પર જાઓ

પૃષ્ઠ:Akashdeep by Dhumketu.pdf/૨૧૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

૨૧૦
મનની મોજ
 

તોય એમાં કેશવાને શું? હું કાંઈ થોડી કોઇની વેચાણ છું ? મને મરજીમાં આવે ત્યાં મારું મન પાથરી દઉં ! હજી સુધી તો એક તારા સાટુ એને રાખ્યું છે―પણ તું―અલ્યા બહુ જ વહેમીલો છે ! બહુ વહેમ નહિ સારો। નરસીં.’

⁠‘ત્યારે તો તું આ સાચું બોલે છે એમ નાં ?’

⁠‘તો શું ખાટું બોલું છું ?’

⁠‘સારું, હું બતાવીશ !’

⁠‘હા, હા, બતાવજે ને!’

⁠તે વખતે તો કંકુડી સાથે નરસીંને એટલી જ વાત થઇ. પણ મોહનની માયા વિષે એનું મન ખાટું થઈ ગયું હતું.

⁠એમાં બીજે દિવસે લગભગ અરધી રાતે, નરસીં એ પોતાના ઘોડા પરથી ધબાક દઈને કંકુડીના ફળી પાસે ઉતારો કર્યો. એના હાથમાં બે હજાર રૂપિયાની ‘નેકલેસ’ ચમકી રહી હતી. એક તડાકો પડ્યોને એણે સાંજે ને સાંજે ઘોડા ઉપર ખંખેરી મૂક્યાં. સોનીને ત્યાંથી બે હજારની ‘નેકલેસ’ લીધી. આાજ એને કંકુડીને આપીને એને મોહનની માયા ભુલાવી દેવી’તી.

⁠એ આવ્યો, ત્યારે ઉલ્લાસમાં હતો. એના અંગે અંગમાં કંકુડીની પ્રીતિ જાણે, અગ્નિ મૂકી રહી હતી. એની આંખમાં કંકુડી સિવાય બીજું કોઈ ચિત્ર ન હતું. મનમાં કંકુડી કકુંડી થઈ રહ્યું હતું. તે દોડતો આવ્યો.

⁠પણ ઘરમાં હજી દીવો બળી રહ્યો હતો. તેથી બહારથી સાદ કર્યો.

⁠‘કંકુડી !’