એકલતા સાથે છે. પણ જ્યાં પ્રેમના અને આંસુના સંદેશાઓ વાંચીને હૃદય ભરાઈ આવે તેવા ક્રિશ્ચિયન સ્મશાનમાં એકલતા નથી લાગતી, પણ જાણે અનેક મનુષ્યોની વસ્તીથી ભરેલા મૂંગા શહેરમાં ઊભા હોઈએ તેવું લાગે છે. એવી એકલતાની ભર વસ્તીમાં એવા એવા ભણકારા આવે છે કે સામાન્ય માણસ તો ત્યાંથી મૂઠી વાળીને પોબારા જ ગણી જાય. પણ એવા ઘણા સ્મશાનોની ભયંકર એકલતામાં હું મધરાતે શાંતિથી ઊભો રહી શક્યો છું. પરંતુ આજે કોણ જાણે કેમ આ જડમૂર્તિઓના પરિવર્તનરમાંથી મારું હૃદય ભાંગું ભાંગું થઈ રહ્યું.
પણ એક ડગલું આગળ વધું — ને મૂઠી વાળીને ભાગું તે પહેલાં પાસેના સરુના લાંબા ઝાડની છાયામાં કોઈ સ્થિર નયને મારી તરફ જોતું હોય તેમ લાગ્યું.
મારી સામે ઊભેલી આકૃતિ જોઈને હું દિઙ્મૂઢ થઈ ગયો. તે અર્ધનગ્નાવસ્થામાં ઊભેલી આકૃતિ —ન પુરુષ કે ન સ્ત્રી — એવા મનુષ્યની હતી. તેના ચહેરા ઉપર વર્ષોનાં વર્ષો સુધી અંધારામાં રહેવાથી આવતી ફિક્કાશ હતી: આંખમાં નૂર ન હતું; કેવળ હાડપિંજર જેવું, મોટા ડોળાવાળું, મોટા માથાવાળું અને બેઢંગું મનુષ્યતત્ત્વ જ જાણે મારી સામે ઊભું હોય ને ઊભું રહીને મને નિહાળી નિહાળીને જોતું હોય તેમ લાગ્યું. મેં તેની સામે જોયું. અત્યંત દુઃખને લીધે તેના ગળામાંથી અવાજ નીકળતો ન હતો. તેણે મારી તરફ જોયું ને મને પાસે આવવા મૂંગી નિશાની કરી.
હું તેની પાસે ગયો. એવો દુઃખી ચહેરો મેં જોયો