લખાણ પર જાઓ

પૃષ્ઠ:Akashdeep by Dhumketu.pdf/૨૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

અજાણ્યો મનુષ્ય
૧૭
 

⁠‘એથી જૂના વખતમાં મેં સમુદ્રના તરંગથી છંટાતું સોમનાથ મહાદેવનું મંદિર રચ્યું. રત્નની રજથી રેતીની આકૃતિઓ સ્વચ્છ કરીએ તેવું આબુનું મંદિર બનાવ્યું. એથી પણ પહેલાં અપ્રતિમ એવી ભુવનેશ્વરની પાર્વતી — જેની કટિમેખલા સરજતાં જ મને વર્ષોનાં વર્ષો લાગ્યાં હતાં, એ સર્જનહાર હું, સામાન્ય અજાણ્યો મનુષ્ય હતો. મને ઇતિહાસ ભૂલ્યો છે. મારા નામ ઉપર એક ઢેફું પણ ઊભું નથી. મારી કલાકૃતિઓને સાચવનાર ઉપર તમે વારી જાઓ છો; પણ મને સામાન્ય મનુષ્યને — અજાણ્યાને — આજે કોણ જાણે છે? હું મનુષ્ય છું. તમારા જાણીતા મનુષ્યે મારી મદદથી આ બધું કર્યું છે. મારા વિના આમાંનું કાંઈ ન હોત!’

⁠એના આ શબ્દના અવાજની સાથે જ જાણે આખા સ્થળમાં ભયંકર ગ્લાનિ ફેલાઈ ગઈ. સુંદરમાં સુંદર પૂતળાંના ચહેરા ઉપર કાળા ડાઘ પ્રગટ્યા. અને જાણે દરેકના પગ પાસે વીજળીની રેખા જેવી લોહીની સ્પષ્ટ રેખા માલૂમ પડી. એક પણ કૃતિ આ ફેરફાર વિનાની ન રહી.

⁠વિજયી યોદ્ધાઓના ચહેરા પર તાજા ખૂનની ધાર ચાલી રહી. તીરછી આંખે જનતાને નિહાળતી મત્ત સુંદરી ચમકી હોય તેમ જડ બની ગઈ. રતુંબલ શરાબ પીવા મુસાફરને ઈશારા કરતી સુંદરીના ઘડામાં મનુષ્યનું લોહી છલકાવા લાગ્યું. વિજયી મુત્સદ્દીઓના ડોકમાં નિર્જીવ મનુષ્યોના હાડપિંજરની માળા દેખાઈ. મહત્વાકાંક્ષી વીરોના સોનેરી સિંહાસનના પાયા નીચેથી મનુષ્યોની ખોપરી ઊગી નીકળી. મોતીની છીપની પાદુકા ઉપરનો ધર્માધ્યક્ષ માથા