*[૧]ઢાકાની મલમલના તાકા, બનારસી વાસણો, ને દિલ્હી આગ્રાના હુક્કા – એવી અનેકવિધ બહુમૂલ્ય વસ્તુઓ ત્યાં હતી. પણ મારી નજર તો ત્યાં હતી કે જ્યાં મારી પેલી પેટી પડી હતી ! બસ એ જ પેટી અને એ જ તસ્વીર: કેટલી પાસે પડી હતી અને છતાં કેટલી દૂર હતી! આજે લોકોની ધમાલ હતી. સૌ જોઈ જોઈને નવાઈ પામતા હતા. પાસે એક ગાલીચા પર મહારાજ શિવાજી બેઠા હતા, તેણે લાલ કસુંબલ પાઘડી બાંધી હતી અને તેના પર જડાઉ શિરપેચ શોભી રહ્યો હતો. તે દિવસે તો મહારાજ શિવાજીને દૂરથી જોયા હતા, આજે છેક પાસેથી નિહાળ્યા. રજપૂતના જેવા એના મોં પર સૂડાના જેવું કાંઈક વાંકું નાક એને જુદું જ રૂપ આપી રહ્યું હતું. શિવાજી કાંઈક ઠીંગણો હતો, પણ ઘાટ બહુ સપ્રમાણ હતો. સૌથી વધારે મહત્ત્વની તો એની આંખો હતી: એમાંથી તેજની ધાર છૂટતી હતી. મોરોપંત પિંંગલે અને તાનાજી માલુસરે ત્યાં પાસે જ ઊભા હતા. ગાદીની પાછળ થોડે દૂર બે ભાલેદાર ઊભા હતા. મને જોઈને મહારાજે તરત સવાલ કર્યો: ‘ફિરંગીલોક ! કેમ આવ્યો છે?’ મેં વિનયથી જવાબ વાળ્યો: ‘આપના દર્શનની અભિલાષા હતી. તેમ જ મારી એક પેટી સૂરતથી મેળવેલી લૂંટમાં છે. પેટીમાં કાંઈ કિંમતી ચીજ નથી, પણ મને એ બહુ જ પ્યારી છે. તેમાં મારી માતાની એક તસ્વીર છે. આપ એને પાછી આપવાની કૃપા કરો.’
- ↑ *જે દિવસે શિવાજીએ સૂરત લૂંટ્યું તે જ દિવસે દિલ્હીનો એક વેપારી ઢાકાની મલમલના તાકાનાં ગાડાં ભરી સૂરતમાં આવેલો હતા. તે પણ ઝપટમાં આવી ગયાનો ઐતિહાસિક ઉલ્લેખ છે.