જેમ મરાઠા સિપાઈની તલવાર નીકળી, ને થોડી વારમાં હવામાં સરસરાટ થવા મંડ્યો : તલવારો ભટકવા લાગી; અને હવામાં એક જ અવાજ થઈ રહ્યો. હું તો હતો ત્યાં સ્તબ્ધ બની ગયો. પણ એ અસર તો તરત ગઈ, ને હું હતો ત્યાંથી વીજળીવેગે તેઓના તરફ દોડ્યો. પણ મારી પાસે હથિયારમાં માત્ર એક લાકડી હતી ! બરાબર ફેરવીને મેં એકના માથામાં એવા જોરથી તો ઘા કર્યો કે તે ગોઠણીઆભેર નીચે પડી ગયો. એ જોઈને બીજો તરત મારા તરફ ફર્યો. તેણે તરવારનો મારા પડખામાં ધા કર્યો. પણ મારા ઓવરકોટમાં અફળાઈ તે અંદર પેસી રહી. ફરી તરવાર ખેંચે તે પહેલાં મેં તેને એક પથ્થર પર જ પટકી માર્યો ને છાતી પર ચડી બેઠો. મારી સામે હવે બે જણા લડી રહ્યા હતા. મરાઠા સિપાઈએ પેલાને એક જ ઘાથી ઉડાવી દીધો. પણ એ જ વખતે મારી નીચે પડેલો આદમી – હું જરાક ઊભો થયો કે તરત જ નાસી છૂટ્યો ને ઝાડીમાં અદૃશ્ય થઈ ગયો.
‘ફિરંગી બહાદુર !’
પણ એ શબ્દ સાંભળતાં જ હું આશ્ચર્ય પામ્યો; હું પાસે આવ્યો: ‘કોણ? અલ્યા...’
અને મારા શબ્દો મોંમાં જ રહ્યા. મહારાષ્ટ્રના સ્વામી શિવાજી મહારાજ પોતે જ એક સાદામાં સાદા મરાઠા સિપાઈના વેષમાં મારી સામે ઊભેલા હતા. મેં એકદમ વાક્ય ફેરવ્યું: ‘મહા...’
‘ફિરંગી બહાદુર !’ શિવાજી મહારાજ બોલતા હતા, — ‘આજે તેં મહારાષ્ટ્રની લાજ રાખી છે. ને મારો પ્રાણ