લખાણ પર જાઓ

પૃષ્ઠ:Akashdeep by Dhumketu.pdf/૪૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

૩૨
ખરેલાં બે પાન
 

ઇનામ મળેલી વાટકી, આજે સવારે ન દેખતાં, એમણે કામ કરનાર ભોથાજીને ઉધડો લીધો : ‘સાલ્લા ! તું જ ચોર છે !’

ભોથાજી ચોર હોય કે ન હોય એ સવાલ જુદો હતો. પણ તે કોઈ રીતે અ. સૌ. સુશીલાકુમારીનો સાળો થવા ખુશી ન હતો. પણ એની ખુશી હોય કે ન હોય છતાં એને દિવસમાં પાંચ પંદર વખત મંગલપ્રસાદનો સાળો થતો સુશીલાકુમારીએ જોયો હતો. અને એ ભાષા સંસ્કારી ન હોય તો મોટા અમલદારો ન વાપરે, એટલે સુશીલાકુમારી પણ ઘણી વખત એ વાપરતાં.

પરંતુ એટલામાં મંગલપ્રસાદ પોતે જ આવ્યા.

‘મેં તમને પાંચસો વખત વાર્યાં કે મારા ઘરમાં અજાણ્યું માણસ નહિ. . .’

અંગ્રેજો ને સુધારાવાળાઓ જખ મારે છે. હજી સુધી તો હિંદુ સ્ત્રી હરેક બોલમાં ‘મારું ઘર’ કહીને કેટલાય પતિરાજોને ઊભા ઊભા જ ધ્રૂજાવે છે. અને એના એ સ્થાપિત હક્ક વિષે કોઈ કૉર્ટે કાંઈ ફેંસલો આપ્યો હોય એવું યાદ નથી. માલ ખજાના ભલે પુરુષના રહ્યા; ઘર તો હજી સ્ત્રીનું છે.

‘પણ છે શું?’

‘પણ છે શું ?—તમને તો ઘરની શી ગતાગમ પડે,—હું તમને સાફ કહું છું—મારા ઘરમાં અજાણ્યો માણસ નહિ.’

‘શું કાંઈ થયું છે ?—આજ તો મારે જરાક વહેલું જવું પડે તેમ છે—’

‘શું થયું છે ?—બોલ્યા ! આ તમારો ભોથાજી જર્મન સિલ્વરની વાટકી ચોરી ગયો.’