લખાણ પર જાઓ

પૃષ્ઠ:Akashdeep by Dhumketu.pdf/૪૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

૩૪
ખરેલાં બે પાન
 

⁠‘સાલ્લા ! ક્યાં છે વાટકી? ચોર ! બોલે છે કે દઉં? ’

⁠ભોથાજી હાથ જોડી રહ્યો : ‘કાલ આવી ગઈ હશે ભૂલમાં—સા’બ તો—’

⁠‘ભૂલમાં હેં? ’ સુશીલાકુમારીએ ખાસ્સો તમાચો ચોડી કાઢ્યો. એના અવાજથી ફળીમાં અજીઠાના તપેલા ઉપર, હર્ષોન્માદમાં કુદાકૂદ કરી રહેલા કાગડો, વધારે પડતી હોશિયારી બતાવવા ઉતાવળે, કૉ કૉ કરતો ઊડ્યો—જાણે એ ‘કૉ કૉ માં, મોટો ભણેલો ચોર, નાના અણઘડ ચોરને ધમકાવે છે, એની મશ્કરી કરતો હોય!

⁠પણ મશ્કરી હોય કે ન હોય, એના ઉતાવળા વેગને લીધે, અજીઠાનું તપેલું ઊંધું વળ્યું. અને એમાંથી, પોતાના દેહનો ચળકાટ દેખાડતી, જર્મન સિલ્વરની, હમેશાં ભગવાનનો સાકરનો પ્રસાદ સાચવતી, પેલી નાનકડી વાટકી બહાર કૂદી પડી.

⁠‘સાલ્લ્લા? અહીં વાટકી સંતાડે છે! જા હવે, તારી માને ઉટકી નાખ! પ્રસાદ એમાં ધરાય છે, ભાન નથી?’ સુશીલાકુમારીનું ધ્યાન એ તરફ ખેચાતાં એ બોલી ઊઠ્યાં અને ભોથાજીને બીજો તમાચો પડતો રહી ગયો.

⁠‘બા ! આજે અમારે કન્યાશાળામાં પાર્ટી છે, રકેબી વહેંચવાના છે—’ એમ કોકિલકંઠે બોલતી પોતાની પુત્રી સરલાને જોવા જ્યારે સુશીલા એ પાછું ફરીને જોયું, એટલામાં ભોથાજી ત્યાંથી સરી જઈને પેલી વાટકી ઉપાડીને એને ઝડપથી ધસવા માંડ્યો.