‘ટી ટેબલ’ એ આ જમાનામાં ધીમે ધીમે વધારે ને વધારે મહત્ત્વ મેળવતું જાય છે, એના આકાર અને સજાવટ વિષે હજી કોઈએ જોઈએ તેટલો વિચાર કર્યો નથી; પણ નાતવરાને અબલે જેમ પાર્ટીનું મહત્ત્વ વધતું જાય છે અને નાતવરાનો ખોટા ખરચો રદ કરવાની જહેમત ઉઠાવનારા ‘પાર્ટી’ના એવા જ ખરચામાં સામાજિક નવવિધાન જુએ છે, તેમ ધીમે ધીમે આપણે ઘરઆંગણે ‘ટી ટેબલ’ પોતાનું અનોખું સ્થાન લેશે એમાં શંકા નથી. દરમ્યાન હવામાં ઊડતા રસિક પ્રશ્નોની ચર્ચા માટે ઘણાખરા ઘરોમાં તો એ ફેશનરૂપ થઈ ગયું છે. ખાસ કરીને સવારની ચા લીધા પછી—ને છાપામાં પહેલું મોં નાખતાં એ સ્થળ ઠીક ઠીક ચર્ચા જગાડે છે.
દેસાઈ મંજુલાલ અને શિવલક્ષ્મી એ બન્ને સવારમાં ‘ટી ટેબલ’ ઉપર બેસે ત્યારે ઘણુંખરું હવામાં ઊડતા એક બે પ્રશ્ન ઉપર રસિક ચર્ચા થાય : અને નવ દશની ચા આવ્યા પછી નાહવા જાય ત્યાં સુધી એ ચર્ચાને અનેક દૃષ્ટિબિંદુઓથી છણે. જૂના જમાનામાં જેટલી રસિકતાથી વૃદ્ધો ઓશરીમાં