બેસીને શાક સમારતા, લગભગ તેટલી જ રસિકતાથી હવે આપણે ચાનું શાસ્ત્ર જમાવતા જઈએ છીએ : અને એમાં ચર્ચાતી જરૂરિયાત પણ લાગે છે. આજે મુખ્ય પ્રશ્ન ‘સમાજવાદ’નો હતો. પણ ડુંગર ઉપરથી દોડતું એક ઝરણું આગળ જતાં જેમ અનેક માર્ગે ફંટાઈ જાય છે તેમ ‘સમાજવાદ’માંથી ‘વ્યક્તિવાદ’માં, ત્યાંથી ‘ફ્રૉઇડ’માં અને વ્યક્તિવિકાસમાં ચર્ચા આવી પહોંચી.
શિવલક્ષ્મીએ પોતાનો પક્ષ રજૂ કર્યો: ‘સ્ત્રી વિના પુરુષનું અસ્તિત્વ નથી માટે...’
મંજુલાલે ચર્ચા આગળ ચાલતી અટકાવી: ‘આ તમારું વિધાન અમે કબૂલ કરતા નથી. સ્ત્રી વિના પુરુષનું અસ્તિત્વ જો નથી, તો પુરુષ વિના સ્ત્રી ક્યાંથી આવી ? બેમાં પહેલું કોણ એ કોઈ કહી શકતું નથી. જ્યારે એવું બને કે પુરુષ વિના સ્ત્રીને બાળક આવે—’
શિવલક્ષ્મીએ હાર કબૂલી : ‘ચાલો, એમ તો એમ. પણ ધારો કે સ્ત્રી ન હોય તો શું થાય ?’
‘શું થાય ? સઘળા પુરુષો લૉજમાં ખાવા જાય. બીજું શું થાય ? પણ પુરુષો ન હોય તો શું થાય એ તમને ખબર છે?'
‘કેમ, વળી શું થાય ! સ્ત્રીઓ નવરી પડે, એટલે તરત ગરબા ગાય, બીજું શું થાય?’
‘મારું પણ એજ કહેવાનું છે.’ મંજુલાલે કહ્યું, ‘પુરુષો લૉજમાં ખાવા જાય—ને સ્ત્રીઓ ગરબા ગાય—એ બન્ને એકબીજાની ગેરહાજરીમાં થતી ક્રિયા, એમ બતાવે છે કે પુરુષો જે છે તેમાંથી રચનાત્મક કામ કરે છે; સ્ત્રીઓ