લખાણ પર જાઓ

પૃષ્ઠ:Akashdeep by Dhumketu.pdf/૪૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

પુરુષ અને સ્ત્રી
૩૯
 

સાહેબજી !’ કરતા પ્રૉફેસર નવીનચંદ્ર દેખાયા, એટલે ઘડીભર સૌ આવકારની ક્રિયામાં પડી ગયાં.

‘કેમ, શું ચાલે છે ?’

‘આ એસ્તો. તમારી જાતને પુરુષ–લેખકોએ શ્રેષ્ઠ ઠરાવી છે તેની ચર્ચા.’ શિવલક્ષ્મીએ કહ્યું.

‘ત્યારે આપણે એમ કરીએ તો., સમન્વય કરીએ. અમુક પ્રદેશની જગ્યાઓ તમારા માટે અનામત રાખીએ, એમાં પુરુષનો પ્રવેશ નહિ.’

‘ઉદાહરણ તરીકે ?’

‘રસોડાપ્રદેશ એ તો તમારો જ. એમાં અમે માથું ન મારીએ.’

‘હાં–બોલ્યા! રસોડા-પ્રદેશ!’ શિવલક્ષ્મીએ જરાક લટકું કરીને જવાબ વાળ્યો, ‘રસોડાપ્રદેશ તો અમારે પાછો તમારા માથામાં મારવો જ છે. અને રસોડાપ્રદેશમાં તો માથું મારવા આવો તો તમે શું કરી શકો તેમ છો? ભાતમાં મીઠું પડે ને દૂધની કઢી થાય!’ શિવલક્ષ્મીએ જરાક મિજાજ પણ ગુમાવ્યો હતો.

આવી ચર્ચામાં સમજ નહિ પડવાથી નરભોજી ચા મૂકીને આઘો ખસી ગયો હતો. એની બૈરીએ કહ્યું હતું, કે હું બગીચામાંથી અરધું ખડ વાઢીશ, પછી વખતે છોકરો રડશે એટલે ઘેર જઈશ. તારે વખત મળે તો તું અરધું વાઢી રાખજે. હું પછી આવીને ભારી લઈ જઈશ. આજે આ રસિક ચર્ચા બંધ નહિ થાય એમ ધારી નરભોજી આઘો-પાછો થઈ ગયો. ચર્ચા આગળ ચાલી–દરેક ચર્ચામાં બને છે તેમ, વધારે વેગમાં ને તેથી વધારે ખોટી રીતે.