પ્રોફેસર બોલ્યા : ‘ઠીક સારું, ચાલો, અમે રસોડાપ્રદેશ રાખીએ છીએ, તમે શું રાખો છો?’
‘ખાણાપ્રદેશ,’ શિવલક્ષ્મી હસી પડ્યાં, એમને ટેવ પડી ગઈ હતી—અને એ પોતે માનતાં પણ હતાં કે ઘણીખરી સ્ત્રીઓનો એ ઉદ્ધાર કરી રહ્યાં છે, એટલે આવી ચર્ચામાં પણ સ્ત્રીઓ જીતે તો એ વધારે ચા પીતાં.
‘સારું.’ પ્રોફેસરે શાંતિથી કહ્યું, ‘હવે ખાવાનું મેળવવું શી રીતે?’
‘કેમ વડે? કામીને?’
‘કામવા કોણ જાશે?’
’કેમ વળી ? પુરુષો —અને સ્ત્રીઓ બન્ને.’
‘બન્ને કાં?’
‘હાસ્તો.’
‘ત્યારે હવે હું એક પ્રશ્ન પૂછું છું. જનતાના ઘણા મોટા ભાગને તો કામ ને કમાણી વહેંચવા જ પડ્યાં છે. તે વિના આર્થિક દૃષ્ટિએ જીવી શકાય તેમ જ નથી. નથી વહેંચ્યાં માત્ર તમારા જેવા સુખી વર્ગે—અથવા વધારે યોગ્ય શબ્દ વાપરીએ તો આળસુ વર્ગે. તમે તમારી જાતને આળસુને બદલે બુદ્ધિશાળી ગણો તો પણ મને વાંધો નથી, કારણકે ખરી રીતે આપણે જે નવરા હોય તેને જ બુદ્ધિશાળી માનીએ છીએ. પણ મારો પ્રશ્ન આ છે : તમને એમ નથી લાગતું કે કાંઈ પણ કામ નહિ હોવાથી જ આ પ્રશ્નો—સ્ત્રીપુરુષના કામ વિષેના—સ્ત્રી રસોડું કરે, ઑફિસે જાય—એ ઉત્પન્ન થયા છે? સ્ત્રીઓ તો ઘણા જૂના વખતથી બન્ને કામ કરે છે. કોઈના ખેતરમાં મજૂરીએ જવું ને કોઈ ઑફિસમાં