પતિપત્ની, કોર્ટમાં વાદી–પ્રતિવાદીનાં વકીલ બની સામસામાં લડતાં. અલબત્ત એમાં બનતું એવું કે ’વર મરો, કન્યા મરો, પણ ગોરનું તરભાણું ભરો.’ હવે આ બુદ્ધિશાળી દંપતીને એક સંતાન થયું.’
‘આ વાત કોણે લખી છે ?’ શિવલક્ષ્મીએ પૂછ્યું.
‘કોઈ પુરુષ લેખકે.’ પ્રૉફેસરે જવાબ વાળ્યો.
‘ત્યારે એ ખોટી છે.’
‘કેમ?’
‘કેમ વળી—જેને કમાણી કરવી હોય તેને સંતાન પોસાય ક્યાંથી ? આ કાંઈ ગામડાનાં મજૂરો હતાં? એ લોકો સંતતિનિયમન કરી શકતાં હતાં.’
‘એ જ વાત છે ત્યારે—નિયમનના પ્રયોગો છતાં સંતાન થયું!’
‘ઠીક ચાલો, પછી?’
‘હવે એવું બન્યું કે આ સંતાન માત્ર ત્રણ વર્ષનું થયું, ત્યાં બન્નેને–માતાપિતાને મહાત કરે તેવી, વિચિત્ર દલીલો કરવા માંડ્યું. એટલું જ નહિં, કેટલીક વખત તો કોઈ ન હોય ત્યારે એ એકલું બેઠું બેઠું દલીલો કર્યા કરતું. એમ કે આજે મને નોકરે થોડું ખાવા આપ્યું છે, તેનાં બે કારણ હોઈ શકે. કાં એને એની બૈરીએ ધમકાવ્યો અથવા એણે બૈરીને ધમકાવી હોય ! અને એવી તો અનેક દલીલો કે જેનો અંત ન મળે!’
‘પુરુષોની વાર્તામાં કાંઈ ઢંગધડો હોતો નથી. હું મારે આ ચાલી !’ શિવલક્ષ્મી બોલ્યાં.
‘પણ એનો અંત તો સાંભળો!’