લખાણ પર જાઓ

પૃષ્ઠ:Akashdeep by Dhumketu.pdf/૫૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.




વસ્ત્રત્યાગ

નાનો, જગુ અને મોતી દયામણે ચહેરે ત્યાં બેઠાં હતાં. દિનમણીનો પરિચિત અને વહાલભર્યો સ્વર ‘કેમ જગુ, આવ્યો કે લુચ્ચા!’ આજે આવતો ન હતો. વૃદ્ધ ગંગામા, કપિલાને દોવવા બોધરું લઈ જાય તે વખત હતો, છતાં ફળીમાં ગંગામા ન હતાં. દરવાજામાંથી નાનો જગુ ડોકિયું કરતો હતો. મોતી તેને વારતી હતી: ‘સાહેબ ધખશે હો!’ પણ ફળીમાં કોઈ હતું નહીં; કપિલાનો ખીલો સાફ હતો; ને ત્યાં ‘બુલડૉગ’ ઘૂરકતો ઊભો હતો. તુળશીના ક્યારામાંથી તુળશી વન જવાની તૈયારી કરતાં હતાં ને થોડાંક ખોટાં વિલાયતી ફૂલ સિવાય ઓટલા ઉપર પડેલી ફૂલની છાબડીમાં બીજું કાંઈ ન હતું.

પંડિત દિનમણી આ નાના ગામનો રાજા જ કહેવાય. દિનમણીને ગામના દરેક માણસ સાથે પિછાન હતી, ને ગામના દરેક માણસને પોતાના સરદાર માટે માન હતું. દિનમણી હતો ત્યાં સુધી તેના ફળીમાં...બે ચાર-પાંચ ગાય હોય જ. એનું દોહવાનું કામ દિનમણીની પત્ની ગંગાનું! ગંગાનું સ્વચ્છ ફળી સવારમાં કુંકુમના સાથિયાથી ભરેલું;