આવી હતી, પણ હજી નેકટાઈનું તોફાન બંધ પડ્યું ન હતું, ને ’નેકટાઈ’ સરખી કરતાં ઉતાવળમાં ’બાબરી’ ચુંથાઇ જાતી હતી! આટલી ટાપટીપ વિના રમાકાન્ત નીકળે તો એનો પ્રભાવ પડે ખરો કે? પ્રભાવ પાડવા માટે તો રમાકાન્તે વેષ ફેરવ્યો હતો. છતાં ગામના માણસો દિનમણીને જેટલું માન આપતા તેટલું રમાકાન્તને આપતા નહિ.
ભીમાએ જવાબ આપ્યો ને મોતી તથા નાનો જગુ ચાલ્યાં ગયાં. નાનો જગુ જોતો ગયો કે ગંગાબા જેવાં સીતાબા નથી કે શું? પણ સીતા તો ઓરડામાં જ હતી.
ચાર બજે મોતી તથા નાનો જગુ આવ્યાં હતાં. રમાકાન્તે બીજા માળ ઉપરથી જ પૂછ્યું:
’શું છે?’
’બાપુ, મારી માએ મોકલી છે.’ મોતીએ કહ્યું. સીતા પાસે ઊભી હતી તે હસી પડી. એને મોતીનો જવાબ ખૂંચ્યો. એમાં તર્કશાસ્ત્રનો સિદ્ધાંત સચવાયો નહીં!
પણ સીતાને હસતી જોઈ નાનો જગુ ખુશી થયો; ને મોતીને કહેવા લાગ્યો: ’પણ બેન! ઝટઝટ વાત કરી દે તો. જો, સીતાબા કેવાં ખુશી થાય છે!’
’ઠીક, પણ છે શું?’ રમાકાન્તે કહ્યું.
’બાપુ ! તમે મદદ નહીં કરો તે અમે ભૂખે મરશું? વણાટકામ ભાંગી પડશે, અમારાં છોકરાં ભૂખે મરશે.’
’બીજાં કામ કરો, મજૂરી નથી થાતી?’
’બાપુ! અમે જે જાણીએ છીએ તે ગુમાવીએ?’ કહી મોતીએ એક વેજું મૂક્યું.