’લ્યો? ’ સીતા વળી હસી પડી. ’આ તમારું સ્વદેશી ’વાયલ‘ મોતી વણી લાવી છે!’
’હવે અમારે વેજાં ફેજાં જરૂર નથી. તમારી મજૂરી થાતી હોય તે કામદાર પાસેથી લઈ લેજો!’ રમાકાન્ત આટલું બોલી અંદર જતા રહ્યો, ને તેની પાછળ ખુશનૂમા મિજાજમાં સીતાએ પ્રવેશ કર્યો.
’આ લોકો શું સમજ્યાં હશે? હુન્નર નથી, કળા નથી અને પછી ભૂખે ન મરે?’ સીતાએ કહ્યું.
’એમાં એનો દોષ નથી. પિતાજીએ તેમને એમ સમજાવ્યું કે તમે તો બહુ જ કલા જાણો છો! હવે ભૂખે મરશે. મજૂરી પણ ભૂલ્યાં! શા માટે મજૂરી ન કરી?’
મોતી અને નાનો જગુ દયામણા ચહેરે પાછાં ફર્યાં. આજે તેમની સૌથી જબ્બર ઘરાકી તો છૂટી પડતી હતી, ને એમની મા પથારીવશ હતી.
આ વાતને ઘણા દિવસ થઈ ગયા. આજે નાની ડોશીનો છેલ્લો દિવસ હતો. મોતી અને નાનો જગુ પાસે બેઠાં હતાં. નાની ડોશીએ પોતાની સર્વ કળા પુત્રીને વારસામાં સોંપી હતી. પૈસા ન આપ્યા ને કળા આપી, ને એ રીતે એને ઊંડો સંતોષ હતો. પણ આજ છેલ્લી ઘડીએ એને એ કળા દગો દઈ રહી હતી. ઘરાકી તૂટ્યાનો એના મનમાં અફસોસ હતો !
’બેટા, દરબારે શું કહ્યું? ’
’માડી, હવે એ વાત જવા દો. તેણે સારો જવાબ આપ્યો છે!’
’શું?’