કન્યા ઈંદિરા
‘વાણી એ ભાષાના એક પ્રકાર છે. રંગ બીજો, રેખા ત્રીજો. હું તમને રંગની ભાષા વિષે કહું....’
કૃષ્ણકાંત જ્યારે આ પ્રમાણે છટાથી રંગની ભાષા વિષે સમજાવતા, ત્યારે વિદ્યાર્થીઓ એમાં કાંઈક અવનવું જોતા. ‘ભૂરા અને વિશાળ નીલાકાશમાં, એક નાનીસરખી વાદળી અદ્ભુત કવિતા દર્શાવે છે, અને સાથે સાથે જ એ હૃદયંગમ નાનું ચિત્ર પણ બનાવે છે. રંગના પણ જુદા જુદા અનેક પ્રકારના મિલનમાં, એવી જ કાવ્યવાણી વસી રહી છે,’ કૃષ્ણકાંત ચાલુ રાખતાઃ 'અને કાવ્ય, લાગણી, ભાવના, ધર્મ, એ બધું શું છે ? ખરી રીતે રંગની ભાષા. રમ્ય મુગ્ધાના સ્વચ્છ કપાળમાં નાની શી બિંદી થાય એ રંગની જ બનાવટ છે. પણ એ રંગના આવી રીતના મિલનમાં એક પ્રકારની લાગણી ગુપ્તપણે વસી રહી છે, અને એમાં છાનું કાવ્ય રહ્યું છે. એ કાવ્યને કુદરત અને પરમાત્મા સાથે જે જોડે, અલબત્ત સૌંદર્ય દ્વારા, તે ચિત્રકલાનો–રંગની ભાષાનો ધર્મ ખડો કરે !'