આ રંગની ભાષાની ફિલસૂફી બીજા સમજ્યા કે નહિ એ ભગવાન જાણે, પણ એમાંથી એક વિદ્યાર્થી હરેક રંગમાં હૃદયના ભાવ જોવા લાગ્યો. અનેકમાંથી એને એકને, સૃષ્ટિના રંગની ઘેલછા લાગી ! તે આખો દિવસ બસ એ જ ધમાલમાં પડ્યો. અનેક રંગમાંથી એક મહાકાવ્ય બનાવવું, એ મહાકાવ્યમાં જીવનનો સ્રોત અખંડપણે દર્શાવવો અને કાવ્યને અનેક રંગમાં વહેંચવું ! બસ એને આ જ ઘેલછા લાગી. એણે એક વખત તો દરિયાના ભૂરા વિશાળ પાણીમાં એકલી એક નાની હોડી તરતી મૂકી, ઉપર ભૂરું સ્વચ્છ નીલાકાશ એકાંત ને વિશાળ આવી રહ્યું હતું, ને હોડીમાં કોઈ એકલ દોકલ વૃદ્ધ મુસાફર ભીની આંખે, ઘડીમાં વિશાળ દરિયા તરફ જોતો, તો ઘડીમાં એથી વધારે વિશાળ આકાશ તરફ જોતો, ઊભો હતો. એના નેનમાં, એણે રંગની એક એવી ટીપકી મૂકી હતી કે જાણે એમાંથી જીવનનું કાવ્ય વહી રહ્યું હોય એમ લાગે !
પ્રેમલ જ્યોતિ ત્હારો દાખવી,
મ્હારો જીવન પંથ ઊજાળ્ય.’
લલિતમોહન ઉપર કૃષ્ણકાંત ખુશ થઈ ગયો. એણે એકે એનો સંદેશો ઝીલ્યો હતો. પછી તો કૃષ્ણકાંત લલિતમોહનને ક્યારેક ઘેર એકલો બોલાવીને ચિત્રકલાનો આદર્શ સમજાવતા.
આ બધો વખત એક શિષ્યા એમનો સંવાદ સાંભળ્યા કરતી. તે હતી કૃષ્ણકાંતની પુત્રી ઇંદિરા. એનું વય ચૌદથી પંદરનું હશે, પણ આ રસિક વિષયમાં એ પણ એવી જ તલ્લીન બની રહેતી.
લલિતમોહનની ઓરડી, પ્રૉફેસર કૃષ્ણકાંતના ઘરની