પાસે–સામે જ હતી. ઈંદિરા હંમેશાં બારીમાં ઊભી ઊભી લલિતમોહનની ઘેલછા જોતી. ગાંડો વિદ્યાર્થી ચિત્રમાં એવો તલ્લીન બનતો કે ક્યારેક તો જમવાનો ઘંટ થાય ત્યારે ઉતાવળો ઉતાવળો દાતણ લઈને દોડ્યો જતો હોય!
લલિતમોહનની કળા જેમ વિકાસ પામતી ગઈ, તેમ તેમ ઈંદિરાનાં રસિકતા ને નિરીક્ષણ પણ વધતાં ગયાં. એક વખત લલિતમોહન પોતાની ઓરડીને તાળું દઈને હંમેશની માફક પોતાના કામે ગયો. તેના ગયા પછી તરત જ ઈંદિરા એની ઓરડી પાસે આવી ચડી.
કુંચીનો ઝૂંડો કાઢી ઈંદિરાએ એક પછી એક કુંચી અજમાવવા માંડી. થોડીક વાર પછી ઈંદિરાએ અંદર પ્રવેશ કર્યો. લલિતમોહન એક ચિત્ર અપૂર્ણ મૂકીને ચાલ્યો ગયો હતો. એ ચિત્રમાં નાના ઝરા પાસે હરિયાળી ભોંયમાં એક સ્ત્રી આડી પડી હતી, ને તેની પાસે એક જુવાન જરાક નમીને બેઠો હતો. લલિતમોહને ચિત્રમાં સ્ત્રી ચીતરી હતી, પણ જુવાન ચીતરીને પડતો મૂક્યો હતો. તેમ જ રેખાનાં અંકનમાં બધે બળ ભર્યું હતું; પણ આંખની કીકીમાં ભીનો રસિક ભાવ મૂકવો હજી બાકી રહ્યો હતો. ઈંદિરાએ ચોરની પેઠે પીંછી લીધી; તેણે જુવાનમાં રસિક ભાવ મૂક્યો ને વેગભર્યા યૌવનમાં થોડીક દિવ્ય ઘેલછા ઉમેરી દીધી. પછી જેમ આવી હતી તેમ ઇંદિરા ઝડપથી બહાર નીકળી ગઈ. આ રસિક ચોરીમાં રહેલા જીવનકાવ્યની પદાવલિ એને વાંચવી હતી. ચોરી તો સૌ કોઈ કરે, પણ રસિક ચોરી તો કોઈક જ.
લલિતમોહન બહારથી આવ્યો. પોતાની ધૂન પ્રમાણે એણે તરત પીંછી લીધી. પણ તે ચિત્ર પાસે જ થંભી