લખાણ પર જાઓ

પૃષ્ઠ:Akashdeep by Dhumketu.pdf/૬૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

કન્યા ઈંદિરા
૫૭
 

તેથી જ એમના મનમાં આવી ઊંડી દિલગીરી છવાઈ ગઈ છે ! અને એટલા જ માટે હવે ઇંદિરા પણ ત્યાં બારણા પાછળ બેસતી નથી ! આવું અકસ્માત ભાન થતાં એનો ચહેરો ઊતરી ગયો. પોતાની કલાની કિંમત ઘટી એમ એને લાગ્યું. તેણે કૃષ્ણકાંત પાસે જઈને તરત ક્ષમાયાચના કરવાનો નિશ્ચય કર્યો. તે એકદમ ઊઠ્યો ને કૃષ્ણકાંત પાસે જવા માટે ટોપી લેવા એણે હાથ લાંબો કર્યો. પણ એટલામાં કોઈના વસ્ત્રના ઘસારાના અવાજથી તે ચમકી ઊઠ્યો. તેણે પાછું ફરીને જોયું. ઇંદિરા ત્યાં ઊભી હોય એમ લાગ્યું. એ જ વખતે તેની ઘડિયાળમાં નવના ટકોરા થયા. દીવાનો પ્રકાશમાં જરાક લાંબો પડ્યો. લલિતમોહને ફરીને ચમકીને જોયું. ઈંદિરા પોતાના હંમેશના નિર્દોષ ભાવમાં તેની તરફ સ્નેહભરેલી નજરે જાણે કે જોઈ રહી હતી.

⁠ચિતારાએ ઉતાવળે કહ્યું : ‘ઇંદિરાબેન ! તમે અત્યારે કૈં ? હું ત્યાં જ આવતો હતો.' પણ લલિતમોહન બીજું વધુ બોલે તે પહેલાં તો એણે ઈંદિરાને પાછી હઠી જતી જોઈ. લલિતમોહનને, ઇંદિરાની અત્યારે કોઈક અસુરી ગણાય એવી મુલાકાતમાં પણ પોતાની શંકાને સમર્થન મળતું જણાયું. એટલે તો એણે ત્વરાથી અત્યારે જ ખુલાસો કરી લેવામાં સજ્જનતા દીઠી. તેણે ઉતાવળે મોટેથી પૂછ્યું :

⁠‘સાહેબ જાગે છે ?’

⁠પણ લલિતમોહનના શબ્દોને જવાબ મળ્યો નહીં. ઈંદિરા ત્યાં હતી જ નહિ ! લલિતમોહનને એ ઝડપી પાછા જવું પણ સૂચક લાગ્યું !

⁠પોતાના પ્રિય ગુરુની પુત્રીને તો એ બહેન માનતો.