એનું મન તો ચોખ્ખું હતું. પણ એટલે તો કૃષ્ણકાન્તના દિલનું સમાધાન કરવા એ તરત છબી લઈને ચાલ્યો. હવે તો ઇંદિરા પોતાની સહાયમાં છે એવું પણ એને લાગ્યું. જો ઇંદિરા સાથે એ થઈ જાય તો વધારે વાત પણ થાય. એમ મેળાપ ન થાય તો પણ ગુરુના મનનું કોઈ રીતે સમાધાન તો કરવું જ એમ ધારી લલિતમોહન કૃષ્ણકાંતને ત્યાં ગયો. ઇંદિરાની ઝડપ આશ્ચર્યકારક લાગી. રસ્તે એ એને પકડી શક્યો નહિ.
એક દીવા પાસે બેસી કૃષ્ણકાન્ત બે ચાર છબી નિહાળી રહ્યો હતો. લલિતમોહનને જોઈને તે સફાળો બેઠો થઈ ગયો. લલિતમોહનને તે કૈંક અપૂર્વ લાગ્યું. છતાં પાસેની ખુરશી ઉપર એ બેઠો. ઘડીભર શાંત રહ્યો. એટલામાં કૃષ્ણકાંત પોતે જ બોલ્યો.
‘લલિત ! આ એક અદ્ભુત પીંછી તો જો!’ લલિતમોહને ચિત્ર હાથમાં લીધું. તેણે તે જોયું અને એની આંખ ફાટી ગઈ. આ શું? પોતે જે ચિત્ર દોર્યું હતું એની જ આવી નકલ આંહીં કોણે ઉતારી હતી ! કોઈકે શું ? કૃષ્ણકાન્તે પોતે જ ! પણ અત્યારે લલિતમોહનને એમાં ચિત્રકલા કરતાં કાંઈક વિશેષ અર્થ રહ્યો હોય એવું જણાયું. એને લાગ્યું કે આ બતાવીને તો ગુરુ પોતાને આ ચિત્રથી જાણે ઠપકો આપી રહ્યા છે કે તેં ગુરુદ્રોહ કર્યો છે ! વાણીથી ઠપકો નથી આપતા, ચિત્રથી આપે છે ! પોતે આવ્યો ત્યારે ગુરુ સફાળા ઊઠ્યા હતા તે પણ એને સાંભર્યું. કૃષ્ણકાન્તની વાતને લલિતમોહન પોતાના અર્થ પ્રમાણે ઘટાવી રહ્યો. છેવટે તેણે હિમ્મત કરી. પોતાનું બધું બળ એકત્ર કરીને એ બોલ્યો.