હાથ ઊંચો કરીને તે બોલ્યો:
પણ લલિતમોહને તો હમણાં જ ઇંદિરાને જોઈ હતી. એને આમાં ઊંડો સામાજિક ભેદ જણાયો. ઇંદિરાનું જાણે અસ્તિત્વ જ ન હોય તેમ થઈ રહેલી આ વાત એ માની શક્યો નહિ. પોતાની પ્રતિષ્ઠાને હાનિ ન થાય માટે આ પ્રમાણે કહીને કદાચ કૃષ્ણકાન્ત હંમેશને માટે ઇંદિરાને છાની વિદાય દઈ દેવાનો વિચાર કરતા હોય—પોતાના પ્રાંતમાં મોકલી દેવી અને જરા નિશાનીનો મોહ પણ રહે નહિ માટે એના મૃત્યુની વાત ફેલાવવી! ઓ પ્રતિષ્ઠા! પણ પોતે તો શુદ્ધ હતો. કદાચ આજ ઇંદિરા આવી, જે બોલ્યા વિના પાછી ફરી—એમાં પણ આ જ કારણ ન હોય ! તેણે કહ્યું:
‘જો મારે માટે થઈને તમે ઇંદિરાનો ત્યાગ કરતા હો—તમને એમ લાગતું હોય કે ઇંદિરામાં મારા માટે સ્નેહાંકુર રોપાયું છે તે તેથી એને મૂએલી માનતા હો— કે આ અંકુરને દાબી દેવા માટે જ આ માનસિક યોજના હોય તો હું તમને પ્રસન્ન કરવા ભીષણ પણ લઉં છું કે ઇંદિરાબેન તો મારી ગુરુપુત્રી—ને તેથી બહેન છે!’
કૃષ્ણકાંત કૈં સમજ્યા નહીં.
‘લલિત ! આ શું વળી? તું આ શું બોલે છે?’
‘તમને ઈંદિરાબેનને મરેલી માનવામાં આનંદ આવે છે?’
‘પુત્રીના મૃત્યુમાં કોઈ ને આનંદ આવે ખરો?’
‘ખોટું ! ખોટું ! ઈંદિરાને તો મારી જ ઓરડીમાં બે ક્ષણ પહેલાં મેં દીઠી છે. એનું શું?’
કૃષ્ણકાંત એ સાંભળતાં જ સફાળા બેઠા થઈ ગયા: ‘હેં!’ એનો સાદ ફાટી ગયો. ‘ શું?’