વજુભાઈ : એક રેખાંકન
વજુભાઈ આવ્યા ત્યારે હજી હું તો સૂતો હતો. પણ તેણે તો તેના નિયમ પ્રમાણે પ્રથમ ગોદડું ખેંચી લીધું, પછી મેં પછેડી વધારે સાવચેતીથી, ચારે તરફથી દાબી એટલે એમણે પગનાં તળિયાં શોધી કાઢ્યાં ! ને ગલગલિયાં શરૂ કર્યાં ! ‘એ ઊઠું ! ઊઠું !’ કહીને મેં તરત જ મોં ખોલી નાખ્યું : જાણે મહા વિજય પ્રાપ્ત થયો હોય તેમ વજુભાઈ પોતાની આનંદી મીઠી ભાષામાં મોટેથી બોલ્યા : ‘કેમ નહોતા ઊઠતા ને ?… પણ અમારી પાસે દરેક તાળાની કુંચી હોય છે, એ તમને ખબર નહિ હોય!’
વજુભાઈ સાથે મારી દોસ્તી તો હમણાં જ થઈ હતી. પણ સાધારણ રીતે વજુભાઇ ભારે મિલનસાર છે અને આનંદી પણ એવા જ. જીવનને જીવવાનો-જીવી કાઢવાનો, જાણે કે, એની પાસે ગુરુમંત્ર હતો. એ કહેતા કે ‘અલ્યા ! કોઈ વાતને ગંભીર બનાવતા નહિ, નહિતર તમે મૂઆ પડ્યા છો ! આ જીવન જીવવું હોય તો મીઠી મશ્કરી દીધે જ રાખવી ! અને બહુ થોડું જાણવું!’