લખાણ પર જાઓ

પૃષ્ઠ:Akashdeep by Dhumketu.pdf/૭૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

વજુભાઈ : એક રેખાંકન
૭૧
 

વજુભાઈ ઘરમાં ગયા, ત્યાં ડોશીમા ’હડહડતો કળજુગ આવ્યો છે—‘ વગેરે બોલી રહ્યાં હતાં અને શેઠ ’શું એમ લૂંટી જાશે? અબઘડી સાળાઓને પકડાવી પાડું‘ એમ બોલીને ખીંટી ઉપરથી પાઘડી લઈ માથે મૂકતા હતા ને સાળો દુપટ્ટો ક્યાં છે એમ કહીને પાછી પાઘડી, માથા ઉપરથી, ખીંટી ઉપર મૂકતા હતા; પણ હેઠે ઊતરવના તો સોગન જ લીધેલા. આ અમારા વજુભાઈ ! જીવન જીવવાની આવડત એમના એકમાં. પાણી ઊંડું કોઈ દી ડોળે જ નહિ ને ! ઈશ્વર ક્યાં છે એની ચર્ચા નહિ, એને નામે થાય એટલું કરી કાઢવાનું!

⁠મેં પૂછ્યું : ’વજુભાઈ, અત્યારમાં ક્યાંથી આવ્યા?‘

⁠વજુભાઈએ કહ્યું : ’અરે ભાઈ ! માણેકલાલ મળી ગયા હતા!’

⁠વજુભાઈની વાત એટલે ખાસ્સો દોઢ કલાક તો ખરો જ. વજુભાઈની એક ટેવ હતી કે તમારી સાથે વાતો કરવા બેસે ત્યારે પગ ઉપર પગ ચડાવીને પોતાના પગનાં તળિયાંમાં હથેળી મારતા જાય. જ્યારે એ પગ ઉતરે ત્યારે સમજવું કે હવે અઢારમા અધ્યાયનો છેલ્લો શ્લોક - अच्युतं केशवं - થવાનો છે.

⁠’એવું થયું ભાઈ કે પરમ દિવસે સાંજે હું જરા સ્ટેશન તરફ ફરવા જતો હતો ત્યારે સામે મળી ગયા માણેકલાલ!‘ વજુભાઈ તો આટલો ઉપોદ્‌ઘાત કરી, પગ ઉપર પગ ચડાવીને બેઠા.

⁠અમારા મડળમાં માણેકલાલનું સ્થાન ઘણું ઊંચું હતું. ગમે તેવી દિલગીરીમાં માણેકલાલને જો મળો તો