લખાણ પર જાઓ

પૃષ્ઠ:Akashdeep by Dhumketu.pdf/૮૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

વજુભાઈ : એક રેખાંકન
૭૩
 

વગેરે વગેરે વાતો કરતા, માણેકલાલ તો એ ઘડીમાં જ અમારા ચિરપરિચિત હોય તેમ ખડખડાટ હસવા લાગ્યા!

વજુભાઈ એ પણ પોતાની અકસ્માત શોધનો લાભ લેવો શરૂ કર્યો.

અમે જ્યાં કાંકરિયે પહોંચ્યા ત્યાં માણેકલાલે પોતાના ખીસામાંથી પોટલી કાઢી. રેશમી રૂમાલ હતો, એટલે કાંઈક સારી ચીજ સંઘરી હશે એમ ધારી અમે સામસામે અર્થભરી દૃષ્ટિ ફેંકી, અમારી પાસેની પોટલી છાની જ રાખવા સૂચના કરી દીધી! પણ ત્યાં સૌની તાજુબી વચ્ચે માણેકલાલે રૂમાલ છોડ્યો ને તેમાંથી ધાણી નીકળી પડી ! માણેકલાલે વળી એના પર થોડું વ્યાખ્યાન કર્યું : ‘ધાણી, તમે શું સમજો છો, ઘણી જ ‘healthy’ છે. એક વખત મારી ફઈના દીકરાને જરા અતિસાર થયેલો. પછી એને ધાણી ખવરાવી, અને તરત જ આરામ થઈ ગયો. હમણાં જ મેં એક છાપામાં વાંચ્યું હતું કે રશિયાના એક ડૉક્ટરે જાહેર કર્યું છે કે જો માણસ હંમેશાં સાંજે ફરવા જાય ત્યારે ધાણી ખાય તો તેની શ્વાસનળીમાં, રસ્તાની ધૂળ વગેરેનાં જંતુઓએ પ્રવેશ કર્યો હોય તેમનો મૂળમાંથી નાશ થઈ જાય ! ત્યાર પછી હું હમેશાં સાંજે ફરતી વખતે ધાણી ખાઉં છું. બહુ જ healthy છે.’

પછી વજુભાઈ એ એને અનુમોદન આપ્યું: ‘એવી જ એક બીજી ફાયદાકારક ચીજ અમે શોધી કાઢી છે.’

‘એવી શી ચીજ છે?’

ઠાવકા બનીને વજુભાઈ એ ઉત્તર આપ્યો: ‘સ્વીટ્ઝર્લેંડમાં ઈ. સ. ૧૮૪૦ માં ડૉ. બેન્સને એ શોધ પ્રથમ કરી હતી.’