લખાણ પર જાઓ

પૃષ્ઠ:Akashdeep by Dhumketu.pdf/૮૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

તાતિયો ભીલ
૭૯
 

છોકરી મૂંઝાઈ ગઈ. તેનાથી તાતિયાની બીકે રાડ પડાઈ ગઈ. પણ તાતિયો તો એના પાણીના બેડામાં બેચાર સોનામહોર નાખીને એને સતાવ્યા વિના જ ચાલ્યો ગયો ! બરેલી ગામના ભીલો તો તાતિયાનાં પરાક્રમ પર મુગ્ધ હતા.

⁠બરેલી પહોંચીને લૉરેન્સે કેટલાક ભીલોને સાથે લઈ સેનાના વિભાગ પાડી નાખ્યા. જે બાજુ તાતિયાના સગડ હતા તે બાજુ કર્નલ ને કોટવાળ બન્ને ઊપડ્યા. જે વિભાગને તાતિયાનો ભેટો થાય તેણે બંદૂકનો બાર કરવો એવો સંકેત હતો. જેમ જેમ લૉરેન્સ આગળ ગયો તેમ તેમ મધ્ય હિંદનાં જંગલોની ભયંકરતા એને સમજાવા માંડી. અજવાળું તો એક તરફ રહ્યું, પણ જંગલમાં ચાલવા જેવી કેડીનું પણ નામ મળે નહિ. જનાર ક્યાં જાય છે એ પોતે જ જાણે નહિ ને ! આ રીતે એ ભયંકર જંગલમાં સૈનિકો સાથે તાતિયાને શોધવા લૉરેન્સ ચાલ્યો. થોડી વાર પછી સૌ જુદા જુદા વીખરાવા માંડ્યા. કર્નલ અને કોટવાળ પણ જુદા પડી ગયા. આવા ઘોર જંગલમાં કોઈ માણસ રહી શકે એ વાત જ અશક્ય લાગતી હતી. એટલામાં જે બાજુ કોટવાળ ચાલી રહ્યો હતો, ત્યાં રસ્તામાં એક ઠેકાણે એણે એક સ્ત્રીને લાકડાં વીણતી જોઈ.

⁠કોટવાળને શંકા પડી. તે તેની તરફ ગયો. તેને રૂઆબથી પૂછ્યું: ‘કોણ છે તું? આંહીં શું કરે છે?’ જવાબમાં પેલી સ્ત્રી ખડખડાટ હસી પડી. પોતાની શંકા વધારે દૃઢ થતાં કોટવાળે કહ્યું, ‘તાતિયા ભીલને ઓળખે છે તું ?’

⁠‘ના રે ભૈ ! તાતિયો ભીલને હું તો ક્યાંથી એળખું? અમે તો રજપૂત છીએ.’