આના સમ જો...’ કોટવાળે પોતાની જનોઈને હાથ લગાવ્યો.
‘ના પણ—અમારે રાતદનનાં આંહીંનાં કામ ! તમે ગોતી કાઢો, હું તો ફક્ત મારગ બતાવું !’
‘એમ તો એમ.’
‘તો શું આપો ?—’
‘હજાર રૂપિયા.’
‘ફરશો નહિ નાં?’
‘ભગવાન મને પૂછે, ફરું તો.’
છતાં પેલી બાઈ તો જાણે હજી એનામાં વિશ્વાસ ન મૂકતી હોય તેમ કોટવાળને લાગ્યું.
‘સાત જનમારા મારું નિર્વંશ જાય, જો ફરું તો—બસ?’
હવે જાણે વિશ્વાસ આવ્યો હોય તેમ તેણે કોટવાળને ચૂપ રહેવાનો આંખનો ઇશારો કર્યો. બાઈ આગળ ચાલી, ને કોટવાળને પાછળ આવવા નિશાની કરી. કોટવાળની અધીરાઈનો પાર ન હતો. એની ખુશાલીને પણ કોઈ સીમા ન હતી. તે એક જ ઝપાટે પોલીસ સુપ્રિન્ટેન્ડેન્ટ થવાનું સ્વપ્ન જોતો રહ્યો. તે તેની પાછળ પાછળ ચાલ્યો.
આ બાજુ કર્નલ સાહેબ કોટવાળથી છૂટા પડીને જંગલના બીજા જ ભાગમાં ભમી રહ્યા હતા. તે જંગલના એવા તો ગીચ ભાગમાં આવી પહોંચ્યા કે જ્યાં સામસામાં ઉભેલાં ઝાડવાંની વચ્ચે કેડી જ ન મળે ! ક્યાં જવું? માણસ કોઈ પાસે હતો નહિ. એ તો એમ ને એમ ત્યાં ઊભા રહી રસ્તાનો વિચાર કરી રહ્યા હતા, એટલામાં