લખાણ પર જાઓ

પૃષ્ઠ:Akashdeep by Dhumketu.pdf/૯૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

૮૨
તાતિયો ભીલ
 

તો બંદૂકો ફૂટવા માંડી. તાતિયો જડ્યાનો એ સંકેત હતો. હર્ષોન્માદમાં કર્નલ એક પથ્થર પર ઘડીભર બેસી ગયા. પોતે એ માન ન મેળવી શક્યા એની મનમાં ખટક માત્ર રહી ગઈ.

⁠પણ એટલામાં એમના હૃદયને થથરાવી મૂકતો કાંઈક અવાજ તેમને કાને પડ્યો. એવો શબ્દ એમણે કોઈ દિવસ સાંભળ્યો ન હતો. કોઈ જંગલી પશુ હોય તો તેને હણવા બંદૂક તૈયાર કરી તે બેઠા. પણ થોડી વારમાં તો એક દીન, હીન, જીર્ણ વસ્ત્રવાળો, નિર્માલ્ય મજૂર, લાકડાંનો ભારો લઈને એક બાજુ તરફથી દોડતો નીકળ્યો. તે પણ આ વિચિત્ર શબ્દથી ડરીને દોડી રહ્યો હતો.

⁠એટલામાં તો એક સાહેબને અહીં બેઠેલા જોઈને પેલો મજૂર પણ ભારો નીચે મૂકી હાથ જોડીને આગળ જ આવ્યો: ’બડા સા‘બ ! હજુર ! અન્નદાતા ! ગરીબ માણસ છું. મજૂરી કરી લાકડાં ભેગાં કરું છું, અન્નદાતા ! મહેરબાન !‘ તે કરગરવા લાગ્યો.

⁠’અલ્યા કોણ છે તું?‘

⁠’સા‘બ ! અન્નદાતા ! હું તો લાકડાંવાળો છું. મારી બૈરી સાથે અહીં આવ્યો હતો, પણ તે ક્યાંક ભૂલી પડી ગઈ લાગે છે. એને શોધવા નીકળ્યો ત્યાં આ અવાજ સાંભળી આ તરફ દોડી આવ્યો. કાંઈક પડ્યું લાગે છે !‘

⁠’આ આવું જંગલ ક્યાં સુધી છે?‘

⁠’સા‘બ ! શી ખબર? એનો કોણે તાગ લીધો છે? હું મારૂં બૈરું લઈને હંમેશાં આવું છું. આજે જ આવું થયું. કાંઈક એવો ધડાકો સંભળાયો કે હું દોડ્યો.