અને મારું બૈરું તો કોણ જાણે ક્યાં રહી ગયું. અરે રામ !’
‘ત્યારે ચાલ સાથે, આપણે તારી બૈરીને શોધીએ!’
‘અરે અન્નદાતા! ના, મા બાપ! આ જંગલ તો તાતિયા ભીલનું ઘર કહેવાય; હવે કાંઈ બૈરું આંહીં પાછું હાથ આવે?’
‘તાતિયો ભીલ ક્યાં આંહીં રહે છે?’
‘આ જંગલમાં જ પડ્યો છે, અન્નદાતા ! પણ એ તો એક દી આંહીં તો બીજે દી વળી પાંચ દસ ગાઉ આઘે. પણ હોય આટલામાં ને આટલામાં!’
‘એનું રહેવાનું કોઈ એક ઠેકાણું તું બતાવીશ ? હું તને આ વીંટી આપું!’
‘એક તો આંઈં જ છે અન્નદાતા!’
‘ક્યાં?’
‘એના મારગનો કાંઈ પત્તો છે માબાપ? પણ છે આટલામાં ને આટલામાં!’
‘તો મારી સાથે ચાલ—એની ઝૂંપડી બતાવ, તને ઇનામ પણ મળશે. જો આ મારી વીંટી તને મળશે ’
મજૂર વીંટીનું નામ સાંભળી રાજી થયો.
મજૂર ને કર્નલ બન્ને જંગલમાં ચાલ્યા. મજૂર રસ્તામાં બોલ્યો: ‘સાહેબ ! બૈરું પણ દાનતનું કાં’ક ખોટું. એની મેળે ક્યાંક ભાગી બેઠું હોય તો ના ન કહેવાય!’
‘એ ભલેને ગમે તેમ હોય. તને તો આ મારી વીંટી મળશે!’ કર્નલે કહ્યું; ‘તેના રૂપિયા આવશે ત્રણ હજાર. એમાંથી બીજા બે બૈરાં કરજે ને!’
કર્નલને મનમાં ગડભાંજ થતી હતી. મજૂર એવો