તાતિયાએ કરી. પોતાના સુખદુઃખની કથા કહી. તાતિયાની વાતથી બન્ને અફસરો આશ્ચર્ય પામ્યા. પણ એમને તો એમની ફરજ બજાવવાની હતી, એટલે વાત સાંભળતા છતાં પણ, તે કાંઈ છેક અસાવધ ન હતા. કોઈક અચાનક આવી ચડે એવી આશા પણ અંતરમાં ખરી. એટલામાં તો ઝૂંપડીમાંથી કોઈકના રડવાનો અવાજ સંભળાયો.
દેખીતી રીતે બહારવટિયો કોઈ શ્રીમંતને કેદ કરીને પૈસા કઢાવવાની વેતરણમાં હશે, ને એવા કોઈ અભાગી આદમીનો આ અવાજ છે એમ બન્ને જણને લાગ્યું. તાતિયો એ કળી ગયો. ‘સાહેબ ! હું તમે ધારો છો તેવો ખૂની નથી. આ તો એક અપંગ વૃદ્ધ કંગાળ ડોસી રસ્તામાં પડી હતી તેને હું અહીં લાવ્યો છું. તે રડે છે.’
‘તો મને બતાવ.’ કર્નલને વાત સાચી ન લાગી.
‘ખુશીથી.’ કહી તાતિયો અને તેની સ્ત્રી મીરાં બન્ને અફસરોને લઈને ઝૂંપડીમાં ગયાં.
કર્નલે ધાર્યું હતું કે લૂંટારાનું ઘર એટલે કાંઈ ને કાંઈ લૂંટ પડી હશે. પણ ઝૂંપડીમાં એક તૂટેલો ખાટલો હતો; એક જૂનું માટલું હતું. બીજું કાંઈ જ ન હતું. તૂટેલા ખાટલા પર એક રોગિયાલ ડોશી પડી હતી તે દુઃખને લીધે ઉંહકારા કરી રહી હતી.
‘ડોશીમા!’ તાતિયો પેલી ડોશી પાસે ગયો: ‘મા ! હવે કેમ લાગે છે? કાંઈ સારું છે ? મેં દવા આપી તેથી કાંઈ ફેર લાગે છે, મા?’
લૂંટારાની આ માનવતા જોઈ કર્નલ આશ્ચર્ય પામ્યો. તેણે તાતિયાને પૂછ્યું: ‘તમને વૈદું આવડે છે?’