લખાણ પર જાઓ

પૃષ્ઠ:Akashdeep by Dhumketu.pdf/૯૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

૮૮
તાતિયો ભીલ
 

‘સાહેબ, નહિ જેવું, આ તો અમારું જંગલવૈદું!’

ઝૂંપડીમાંથી બહાર આવ્યા ને લૉરેન્સ સાહેબે તાતિયાને કહ્યું: ‘તમારા જેવા માણસને તો સરકારી નોકરીમાં રખાવું. હું મારાથી બનતું બધું કરું. તમે આ ધંધો છોડી દો!’

તાતિયાનો ઘેરો ખિન્ન વિષાદભર્યો અવાજ સાંભળીને કર્નલ ચોંકી ઊઠ્યો.

‘સાહેબ ! ફિરંગી લોક તમામે તમામ મેં જોયા છે. હું તો કોઈ દી કોઈ મારું ભલું કરે એમ માનતો નથી. મેં ઘણાને મારાથી બનતું કંઈક આપ્યું છે, પણ મને તો હમેશાં ખાસડાં જ મળ્યાં છે. મારા મનમાં એનું દુઃખ પણ નથી. દુઃખમાં દુઃખ તો મને એક જ વાતનું છે. હું તો કોક દી મરીશ, કેટલા દી જીવવાનો, ગોરાના હાથ લાંબા છે, પણ મને દુઃખ તો આ બૈરીનું છે. પડછાયાની પેઠે એ મારી પડખોપડખ રહી છે. આ એક નારી – જે મારી પાછળ ભમી રહી છે, તેનું દુઃખ છે.’

‘મારે માટે થઈ ને જાત વેચતો નહિ, તાતિયા ! ભૂંડા! બહારવટું ઉપાડ્યું છે, એ તો હવે કાં આ પાર ને હવે કાં પેલે પાર! મારા સારુ થઈ ને મન મોળું થાવા દેતો નહિ ! મને તો જાળવવાવાળી હજાર હાથુંવાળી છે!’

મીરાંના શબ્દે તાતિયો ને સાહેબ બન્ને ચોંકી ગયા. કર્નલના શબ્દમાં વિશ્વાસ મૂકવાની તાતિયો તૈયારી કરતો હતો તે જાગી ગયો. કર્નલને આ નારી પોતાનું હૃદય સમજી જનારી લાગી. કારણ કે પોતાને મળેલી પ્રતિષ્ઠા પર પાણી ફેરવનાર માણસને શી રીતે હાથમાં લેવો એ વિષે જ