પેટી ખુલ્લંખુલ્લા પડી હતી ને રેશમી શાલદુશાલા રસ્તા પર વેરાઈ ગયા હતા.
કર્નલના નીકળતાં જ તેણે કપાળ કૂટ્યું: ‘હુજૂર ! બદમાશે મને પરદેશીને પણ ન મૂક્યો. મારો બધો માલ ગયો. હુજૂર, એને પકડો, પકડો—આ હમણાં જ ગયો!’
તે વેપારીને લૂંટીને તે જે હાથ પડ્યું તે લઈને તે ભાગ્યો છે, એટલે દૂર નહિ હોય એ વિચારથી સૌ ઉત્સાહમાં આવી ગયા. પેલા પારસી વેપારીને તો કર્નલે કહ્યું, ‘તમે હવે જતા નહિ. તમે અહીં રહો. માણસો ચારે તરફ દોડ્યા છે, એટલે તાતિયો પકડાતાં હવે વાર નહિ લાગે.’
પારસી ગૃહસ્થે કહ્યું: ‘ખુદા તમને આવરદા બક્ષે. સાહેબ!’
તે શેઠ ત્યાં રાત રહી ગયા. સાહેબના તંબૂ પાસે જ એમનો ઉતારો રાખ્યો. એમની પાસે કિંમતી માલ હતો તે તંબૂમાં મુકાવ્યો.
આખી રાત તાતિયાને પકડવાની ધમાલ ચાલી.
કર્નલને તો રાત્રે સ્વપ્નું પણ આવ્યું કે જાણે તાતિયો પકડાઈ ગયો છે ને માફી માગતો તેની સામે ઊભો છે. તે ઊંઘમાં ને ઊંધમાં કાંઇક બકી પડ્યા ને ઝબકીને જાગી ગયા. ત્યાં તો સામે પેલા શેઠ ઊભા વિનતી કરી રહ્યા હતા: તાતિયો તો કાંઈ પકડાયો ન હતો: ‘હુજૂર! કૂકરો બોલ્યો છે ને મારે બહુ દૂર જવું છે.’
પારસીની પેટી બહાર મુકાવી, તાતિયાના કાંઈ નવીન ખબર ન હતા, સાહેબ પાછો ઝોકે ચડી ગયો.