પૃષ્ઠ:Akbar.pdf/૧૧૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧૨
અકબર


અને અબુલફઝલ નામના બે ભાઈઓથી પોતાના ધર્મ સંબંધી અભ્યાસના માર્ગ ઉપર ઘણી અસર થઈ હતી, એમાં કોઈ શક નથી. આ બે પ્રતાપી પુરુષોના સંબંધમાં કાંઈક લખવું જરૂરનું છે. તેઓ આરબ કામના શેખ મુબારક નામના એક શેખના દીકરા હતા. શેખ મુબારકના પૂર્વજો રજપુતાનામાં આવેલા નગર આગળ વતન કરીને રહ્યા હતા. શેખ મુબારકે પોતાના પૂર્વજોના ધર્મના પ્રત્યેક અંગ ઉપાંગનું પુર્ણ જ્ઞાન થાય એવી રીતે અભ્યાસ કર્યો હતો. તેનું મન શોધક હતું અને તેનામાં સર્વગ્રાહક બુદ્ધિ હતી. જેમ એને જ્ઞાન થતું ગયું તેમ તેમ તેના વિચારો આગળ વધતા ગયા, અને તેથી જ્ઞાનનું ગ્રહણ તેમજ ધારણ કરવાને જે સમર્થ મનવાળા આ બાળકોને તેણે એવી કેળવણી આપી હતી કે જેથી ગમે તેવા મંડળમાં તેઓ પ્રકાશી શકે. મોટો શેખ ફૈઝી ૧૫૪૭ માં આગ્રા આગળ જન્મ્યો હતો. કેમકે આ વખતે તેનો બાપ તે શહેરની પડોસમાં રહેવા આવ્યો હતો. આમ તે અકબરથી પાંચે વર્ષે નાનો હતો. અકબરે વાયવ્ય પ્રાન્તોનો પુર્નવિજય મેળવ્યો ત્યાર પછી થોડી મુદ્દતમાં આશરે વીસ વર્ષની ઉમરના શેખ ફૈઝીએ સાહિત્યશાસ્ત્રીની અવે વૈદ્યકશાસ્ત્રીની શાન્ત અને સાદી જીંદગી ગાળવા માંડી હતી. વૈદ્ય તરીકેના પોતાના ધંધાની કમાણીથી ઉત્તેજિત થયેલી એની સહજ ઉદારતાએ એને ઘણાં સખાવતનાં કાર્યો કરાવવા પ્રેર્યો હતો. અને ગરીબ લોકોની મફત બરદાશ કરવાની તેની રીત પડી ગઈ હતી. ધર્મ વિષયમાં પોતાના પિતાને અનુસરીને શીયાપંથના કાંઈક અનભિમત વિચારો તરફ એનું વલણ હતું. એવું કહેવાય છે કે બાદશાહના કાજીને એકવાર પોતાને કાંઈક જમીન બક્ષવાની એણે અરજ કરી. કાજી સુન્ની હતો તેથી તેણે બક્ષીસ આપવાની ના કહી એટલુંજ નહીં પણ પોતાની કચેરીમાંથી તેને તિરસ્કાર કરીને કહાડી મુક્યો. દરમિયાન તે વખત અકબર ચીતોડને ઘેરો ઘાલતો હતો. ત્યાં ફૈઝીની મોટી બુદ્ધિ વિષે ચાલતી વાતોથી લોભાઇને તેને તેણે પોતાની છાવણીમાં બોલાવ્યો. ફૈઝીને ઘણા શત્રુઓ હતા અને ખાસ કરીને સુન્ની અથવા જુના મતના મુસલમાનોમાં ઘણા હતા. તેમણે કાંઈક ઈન્સાફ કરવા સારૂ ફૈઝીને બોલાવે છે એવો અર્થ લીધો અને ફૈઝી નાશી ન જાય એવી આગ્રાના સુબાને ચેતવણી આપી.