પહોંચ્યો. દૂર્ગરક્ષક સૈન્યમાંના છેલ્લા યોદ્ધાએ નમતી આપી કે તરતજ ઉઝબેક લોકોનો સરદાર પોતાના લશ્કરના મોખરાના યોદ્ધાઓ સાથે તે જગા ઉપર દડમજલ સવારીએ આવતો જણાયો.
તેને સખત હાર ખાઈ પાછા ફરવું પડ્યું. પણ બાબર પોતાની જીત સાચવી શક્યો નહિ. વળતાં વસંતઋતુમાં ઉઝબેક લોકો જોરબંધ પાછા આવ્યા. તેમને નિષ્ફળ કરવાને શહેરની બહાર બોખારાના રસ્તા ઉપર બાબરે એક સંગીન સ્થળ ઉપર પડાવ નાંખ્યો હતો. તેની જમણી તરફ રહેલા સૈન્યને કોહીક નદીનું રક્ષણ હતું. જો આ સ્થળ ઉપર શત્રુની રાહ જોઈને તે બેસી રહ્યો હોત તો તો ઘણું કરીને તેણે શત્રુઓને પાછા હઠવાની જરૂર પાડી હોત. કારણ કે આ જગ્યા બળને ગાંઠે એવી નહતી. પણ જોશી લોકોએ લોભાવ્યાથી તે પોતાની મરજી વિરૂદ્ધ આ નદીના સામા કીનારા સુધી ઉઝબેક લોકો ઉપર હલ્લો કરવા સારૂ આગળ વધ્યો. ત્યાર પછી જે લડાઈ થઈ તેમાં પ્રથમ તેની લગભગ જીત થઈ પણ આખરે તેણે સખત માર ખાધો અને શહેરના કીલ્લાની અંદર ભરાઈ રહ્યો. અહિંયાં પાંચ મહીના સુધી તેણે ટકાવ કર્યો પણ પછી દુકાળને લીધે દબાઈ જવું પડ્યું. પોતાના અનુયાયીઓની સાથે તેને શહેર છોડવા દેવામાં આવ્યું. તેણે ઉરાત્યુપનો રસ્તો લીધો અને છેવટે ઉરાત્યુપના રાજ્ય કર્તા ખાને તેને આપેલા દેહકાત નામના ગામડા તરફ રવાના થયો. આ પછીનાં ત્રણ વરસ સુધી તો તેણે સાહસિક નરનીજ જીંદગી ભોગવી. તે હમેશાં આનંદી રહેતો અને અંતે જય મળશે એવી આશાથી ઉત્તેજિત થઈ ઉત્સાહ અને દૃઢતાથી કામ કરતો. આજે દેશનિકાલ થઈ વેરાનમાં રહે તો કાલે કાંઈ સવારી કરી કોઈ ગાદી મેળવે. ફરઘાનાનો મુલક પાછો મેળવવાને તેણે ફરીથી પ્રયાસ કર્યો પણ તેને પાછા હઠવાની જરૂર પડી. પછી બસેં ત્રણસેં પંચરાઉ માણસોના ટોળા સાથે ખોરાસાન ઉપર સવારી લઈ જવાનો ઠરાવ કર્યો. દેખીતી તો આ ગાંડાઈ હતી, પણ એ ગાંડાઈ એ રીતિસર હતી. તેણે કેવી રીતે સવારી કરી અને તેનું શું પરિણામ આવ્યું તે આવતા પ્રકરણમાં કહીશું.