પૃષ્ઠ:Akbar.pdf/૧૨૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨૨
અકબર


નહીં. એમની વાતો તોડી નાંખી અને એમને શરમિંદા પાડી નાંખ્યા ત્યારે તેમણે બાઈબલના અન્યોન્ય વિરોધી વચનો ઉપર આક્ષેપ કરવા માંડ્યો. પણ પોતાની વાતો સિદ્ધ કરી શક્યા નહીં. પૂરી શાન્તિથી અને પોતાના સિદ્ધાન્તોની સત્યતા ઉપર પૂરા ભરૂંસાથી પાદરીએ તેમની દલીલોના જવાબ વાળ્યા અને પછી નીચે પ્રમાણે બોલ્યો.”

“જો આ વિદ્વાનોનો અમારા પુસ્તક વિષે આવો અભિપ્રાય હોય અને જો કુરાનને તેઓ ઈશ્વરનું જ ખરૂં વચન માનતા હોય તો એક ભઠ્ઠી સળગાવો અને પછી હું મારૂં બાઈબલ હાથમાં રાખીને અને ઉલ્મા લોકો તેમના પવિત્ર પુસ્તકને હાથમાં રાખીને તે સત્યશોધક વેદિ ઉપર હીંડીએ તે પછી ખરૂં શું છે તે ખુલ્લું થશે.” કાળા અંતઃકરણવાળા અને નીચ સ્વભાવના વાદીઓ આ વખતે પાછા હઠ્યા અને આનો જવાબ ગુસ્સાભર્યા શબ્દોમાં જ આપ્યો. આ આગ્રહ અને અવિનયથી કબરના નિષ્પક્ષપાત મનને બહુ ખેદ થયો અને પૂર્ણ વિચાર અને વિવેકથી નીચે પ્રમાણે બોલ્યો:—

“માત્ર ઉપરના ડોળથી અને અંતઃકરણના નિશ્ચય વિનાના મુસલમાન “ધર્મના શબ્દમાત્રને વળગી રહેવાથી કાંઈ ફાયદો નથી. મારી સત્તાના “બળે મેં ઘણા બ્રાહ્મણોને મારા પૂર્વજોનો–એટલે મારો ધર્મ જોરજુલમથી “પળાવ્યો છે. પણ સત્યના કિરણનું તેજ પામવાથી હવે મને ખાત્રી થાય “છે કે મિથ્યાભિમાનનાં કાળાં વાદળ અને સ્વાભિપ્રાયનું ધુમસ તમારા સહુ “ઉપર ઘેરાઈ આવ્યાથી સાબિતીની મશાલ વિના તમારાથી એક ડગલું “પણ આગળ ચલાવાનું નથી. શુદ્ધ નિર્મળ બુદ્ધિથી જે માર્ગ આપણે પસંદ “કરીયે તે માર્ગે ગયામાંજ લાભ થવાનો. માત્ર સ્વમતના શબ્દો ઉચ્ચારવાથી “કે સુન્નત કર્યાથી અથવા રાજ્યસત્તાના ભયથી જમીન ઉપર લાંબા પડીને “નમવાથી સર્વશક્તિમાન નિયંતા આગળ કોઇની ગણત્રી થતી નથી: કેમકે “જમીન ઉપર લાંબા થઈને નમવું એથી કાંઈ ઈશ્વરી આજ્ઞા પૂરેપૂરી પળાઈ “જતી નથી. પણ સત્યપરાયણતા રાખવી જોઈએ કેમકે સદાચાર ભવાંમાં “રહેતો નથી.”

આ વાદ સંબંધી કે આ ખ્રીસ્તી પાદરીએ સૂચવેલી પરીક્ષા વિષે આપણે