પૃષ્ઠ:Akbar.pdf/૧૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧
બાબરે કાબુલ મેળવ્યું.


બાબરે કાબુલ ઉપર સવારી કરી તે શહેરને ઘેરો ઘાલ્યો અને સને ૧૫૦૪ ના અક્ટોબરમાં તે લીધું. નશીબના આ અણચિંતવ્યા ફેરફારથી પોતાને વારસામાં મળેલા અને પાછળથી ખોયેલા ફરઘાનાના રાજ્યનો જેની આગળ કંઈ હીસાબ નહિ એવા એક મોટા રાજ્યનો–એટલે કાબુલ અને ગઝનીનો હું બાદશાહ થયો એમ તેને ઓચિંતુ માલમ પડ્યું.

આ નવી રાજ્યગાદી ઉપર પોતાની સત્તા કેટલી છે તે તપાસવા માંડ્યાને ઝાઝો વખત ન લાગ્યો ત્યાર પહેલાં તેને જેલમ નદીની દક્ષિણે એટલે હિંદુસ્તાનની હદમાં આવેલા બેહર નામના મુલક ઉપર ચડાઈ લાવવાનું આમંત્રણ મળ્યું. આ આમંત્રણ તેની પોતાની ઈચ્છાને એટલું બધું અનુરૂપ હતું કે ના ન કહી શકતાં તેણે જલાલાબાદનો રસ્તો લીધો. આ વખતે સને ૧૫૦૫ નો જાન્યુઆરી મહિનો ચાલતો હતો. સુલતાન–( અહિંંઆં તે સુલતાન કહેવાતો હતો.) બાબરે પોતાની તવારીખમાં એશિયાખંડના આ ઇશ્વરી બક્ષીસવાળા ભાગને જોઈને પોતાના મનમાં,–તેની પછી આવનારા તમામ વીર પુરુષોને બેશક પડેલી અને જેણે કરીને જોસભેર આગળ વધવાને તેમનો નિશ્ચય થયો કહેવાય, એવી જે છાપ પડી તે લખી મૂકી છે. તે લખે છે કે મેં કદી પણ ગરમ દેશો હજી જોયા નહતા. તેમજ હિંદુસ્તાનનો મુલક પણ જોયો નહતો. ત્યાં પહોંચતાં મે એકદમ નવીન સૃષ્ટિ દેખી. વનસ્પતિ, વેલા, ઝાડ, જંગલી પ્રાણી વિગેરે સહુ તદન જુદુંજ હતું. મને ખરેખર અચંબો થયો. અને અલબત અજાયબી પામવા જેવું હતુંજ. પછીથી તે ખૈબર પાસને રસ્તે થઈને પેશાવર ગયો અને સિંધુ નદીને નહિ ઓળંગતાં કોટાન–બંગશ—બનૂ અને દેશીદમનને રસ્તે થઈને મુલતાન ઉપર સવારી કરી. પછીથી થોડા દિવસ સુધી સિંધુ નદીની તેડે તેડે ચાલ્યો અને પશ્ચિમ તરફ વળીને છોટીઆળી અને ઘઝનીને રસ્તે કાબુલ આવ્યો. આ સવારીને બાબરની હિંદુસ્તાન ઉપરની પહેલી સવારીનું નામ આપવામાં આવ્યું છે. પણ આ સવારીમાં ફક્ત તે સીમાને અડકીનેજ ચાલ્યો ગયેલો હોવાથી તપાસ કરવાને ફરવા નીકળ્યો હોય એવું આનું રૂપ હતું. અને તેમ હતું તોપણ આનાથી વધારે જોવાની આતુર ઈચ્છા તેના મનમાં પ્રબળ થઈ.