પૃષ્ઠ:Akbar.pdf/૧૫૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪૯
અકબરનાં ધોરણો અને સામ્રાજ્ય વ્યવસ્થા.


માટે શુભ સમાચાર લઈ આવનાર હતો પણ એ પેગમ્બરે જે ઉપદેશ કર્યો અને જે કુરાનમાં દાખલ થયો તે ખુદાની એકતા તલવારના બળે ઉપદેશવાની આજ્ઞારૂપ મનાયો.

કબરનો અભિપ્રાય એ થયો કે આવી રીતની ગેરસમજથી હિન્દુસ્તાનમાં નિષ્ફળતા થઈ. ચાર સૈકા ઉપરાંત સુધી આ નિષ્ફળતા પ્રત્યક્ષ થઈ હતી. આવા ધોરણ ઉપર ચલાવેલું રાજ્યતન્ત્ર બેદીલીમાંજ પરિણામ પામે, એ, એકવીસ વર્ષની ઉમરનો થતાંજ એના સમજવામાં આવી ગયું હતું. એનો હેતુ, સમાધાન કરવાનો, એકતા સંપાદન કરવાનો, પોતાની સમગ્ર પ્રજામાં સ્વાર્થનું હિત સાધી શકે એવું ધોરણ દાખલ કરવાનો હતો. આ ધોરણનું બીજ મુસલમાન ધર્મના ઉપર કહ્યા તે ફેરફારમાં રહેલું છે એમ તેને સમજાયું હતું. મહમદનાં લખાણોના ખોટા અર્થ અને ખાટા ઉપયોગ કર્યાથી કુસંપજ ઉત્પન્ન થાય, તેથી પોતાના યુગને માટે અને પોતાના રાજ્યને માટે પોતેજ પેગમ્બર થવું એવો એણે નિશ્ચય કર્યો. એક સર્વશક્તિમાન પરમાત્માની ઉદાર અને દયાળુ આજ્ઞાઓના વાંચનાર પોતેજ થવું એવી એની ઇચ્છા થઈ.

જ્યાં સુધી એ ધર્મનો આચાર્ય હોય ત્યાં સુધી મુખ્ય ધર્મ તલવારનો ધર્મ નજ હોવો જોઈએ; ઉલટું આખા હિન્દુસ્તાનમાં એ ધર્મની અસર એકતા કરવાની, થવી જોઈએ; પૂર્વના જુલમોનાં સ્મરણો વીસારે નંખાવવાની થવી જોઈએ; અને આંતર વૃત્તિનું સ્વાતન્ત્ર્ય બક્ષીને સંપૂર્ણ સહિષ્ણુતાનો અમલ કરનારી થવી જોઈએ. ચાલતા ધર્મમાં આ ફેરફાર થયા છે એ વાત સર્વત્ર સ્વીકારાય એટલે પછી હિન્દુસ્તાનના રાજા રજવાડાઓ અને લોકોને રક્ષણ ધર્મનો અંગીકાર કરનાર અને ધર્માન્તર માટે જુલમ ન કરવાનું વ્રત ધારણ કરનાર સમ્રાટની આણ માનવાની આજ્ઞા કરવી એવો કબરનો ઈરાદો હતો. આ પ્રમાણે જે નવું જીવન કબર તૈયાર કરતો હતો તેમાં સામીલ થવાને માટે, પોતાના સ્વાર્થને માટે નહિ પણ ચાર સૈકાથી ચાલ્યા આવતા પરદેશીઓના હુમલાઓ, અંદર અંદરના યુદ્ધો અને બન્નેને પરિણામે થતાં અસંખ્ય જુલમોથી, પ્રજાને બચાવવા સારૂ, આવી આજ્ઞા કરવાનો કબરનો ઈરાદો હતો.